ગુજરાત 266માંથી 68 ઉમેદવાર કરોડપતિ, રૂ.147 કરોડ સાથે ભાજપના પૂનમ માડમ સૌથી અમીર
લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની સુરત સીટને બાદ કરતા તમામ 25 લોકસભા સીટો માટે આગામી 7 મેના રોજ એક સાથે મતદાન થશે. રાજ્યની 26 બેઠકો પર રાજકીય જંગમાં કુલ 266 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ગુજરાતના ઉમેદવારોના ચૂંટણી એફિડેવિટ્સના વિશ્લેષણના આધારે ADRએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
ઉમેદવારોના ચૂંટણી એફિડેવિટ્સ મુજબ ગુજરાતમાં લોકસભા ચૂંટણી લડી રહેલા 266 ઉમેદવારમાંથી 26% એટલે કે 68 ઉમેદવાર કરોડપતિ છે. જેમાં ભાજપના 24, કોંગ્રેસના 21, અપક્ષ લડનારા 12, બહુજન સમાજપાર્ટીના 4 અને અન્ય પક્ષોના 7 ઉમેદવાર કરોડપતિ છે. જામનગરથી ભાજપનાં ઉમેદવાર પૂનમ માડમ સૌથી વધુ રૂ. 147 કરોડની સંપત્તિ ધરાવે છે.
ADR રિપોર્ટ મુભાજપના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 15 કરોડ રૂપિયા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 6 કરોડ રૂપિયા છે. ગુજરાતના 15 સૌથી ધનિક ઉમેદવારોમાંથી 8 ભાજપના અને સાત કોંગ્રેસના છે.
ગુજરાતના 266 ઉમેદવારની કુલ સંપત્તિ 647 કરોડ રૂપિયા છે. ભાજપના 26 ઉમેદવારોની સંપત્તિ 394 કરોડ, કોંગ્રેસ-આપના 25 ઉમેદવારની 150 કરોડ, અપક્ષ લડી રહેલા 118 ઉમેદવારની સંપત્તિ 50 કરોડ અને અન્ય નાના પક્ષોમાંથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સંપત્તિ 54 કરોડ રૂપિયા છે.14% એટલે કે 36 ઉમેદવાર ગુનાહિત છબી ધરાવે છે અને તેમાંથી 21 ઉમેદવાર વિરુદ્ધ ગંભીર ગુના નોંધાયેલા છે. ગત ચૂંટણી કરતા મહિલા ઉમેદવારની સંખ્યા 28થી ઘટીને 19 પર આવી ગઇ છે.
સૌથી વધુ આવક ધરાવતા ઉમેદવારોમાં પૂનમ માડમ બાદ ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમીત શાહ બીજા અને નવસારીથી ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ ત્રીજા સ્થાને છે. પૂનમ માડમ પાસે 60.60 કરોડની જંગમ-87.09 કરોડની સ્થાવર, અમીત શાહ પાસે 42.80 કરોડની જંગમ-22.86 કરોડની સ્થાવર મિલકત છે. સુરત બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયેલા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે 17 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે. કુલ ઉમેદવારોમાંથી 120 એટલે કે 47 ટકા ઉમેદવારો જવાબદારી ધરાવે છે.
જામનગર લોકસભામાંથી ફરી ચૂંટણી લડી રહેલા પૂનમ માડમે 2019ની લોકસભા ચૂંટણીમાં તેમની સંપત્તિ 42.7 કરોડ રૂપિયા જાહેર કરી હતી, જે 2024માં વધીને 147 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જેમાં રૂ. 60 કરોડની જંગમ મિલકતો અને રૂ. 87 કરોડની સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. આ મિલકત પૂનમ માડમ, તેમના પતિ અથવા HUFના નામે છે.
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના 10 ઉમેદવારો એવા છે કે જેની સંપત્તિ રૂપિયા 50 હજારથી પણ ઓછી છે, જેમાં બારડોલીનાં રેખાબેન ચૌધરી, કે જેઓ બીએસપી માટે લડી રહ્યા છે. જેમની સંપત્તિ સૌથી ઓછી રૂપિયા 2 હજારની છે. આ સિવાય, વડોદરાના નિલેશ વસાઇકર, સાબરકાંઠાના વરુણ કટારા, રૂપિયા 20 હજારથી પણ ઓછી સંપત્તિ ધરાવે છે.