આપણું ગુજરાત

અમદાવાદથી રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ’નો પ્રારંભ; લાપસી, રોટલાથી લઈને ચાટ, ઈડલીનો મળશે સ્વાદ…

અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્ય પ્રધાન અને ઉપસ્થિત મહાનુભાવોએ મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્ય પ્રધાને ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના અમદાવાદ જિલ્લાના 3 અને જામનગર જિલ્લાના 1 ગોડાઉન કોમ્પલેક્ષનું ઈ – લોકાર્પણ પણ કર્યું હતું.

Also read : જીત અદાણી અને દિવા શાહ લગ્નગ્રંથિથી જોડાયા; ગૌતમ અદાણીએ કર્યું 10,000 કરોડનું દાન…

રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં દ્વિ દિવસીય “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025” કાર્યક્રમના સમયસર અને સુચારું આયોજન બદલ રાજ્યના કૃષિ વિભાગને અભિનંદન પાઠવતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે, આદિકાળથી આપણી ખાનપાન શૈલીનો હિસ્સો રહેલા બરછટ ધાન્યો આપણો વારસો છે.

બરછટ અનાજ હવે અમીર લોકોની થાળીની શાન
શ્રી અન્નની લોકપ્રિયતા વિશે વાત કરતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, થોડા દાયકા પહેલાં ભારતમાં ઓછી આવક ધરાવતા અને ગરીબ પરિવારોના ખોરાકમાં વપરાતું બરછટ અનાજ હવે અમીર લોકોની થાળીની શાન બન્યું છે અને હવે તો લગ્નપ્રસંગોએ પણ ખાસ મિલેટ કાઉન્ટર જોવા મળે છે. આજે મિલેટ આધારિત પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ આઇટમ્સ સ્ટોર્સ અને માર્કેટ સુધી પહોંચી છે તથા મિલેટ્સની સંપૂર્ણ સપ્લાય ચેઈન વિકસી છે. દેશમાં આ ક્ષેત્રે 500થી વધુ સ્ટાર્ટઅપ્સ પણ કાર્યરત થયા છે.

એટલું જ નહિ મોટી સંખ્યામાં એફ.પી.ઓ. પણ આ ક્ષેત્રે આગળ આવ્યા છે તથા સ્વ-સહાય જૂથની મહિલાઓ પણ હવે મિલટ્સના ઉત્પાદનો બનાવીને આત્મનિર્ભર બની છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્ય પ્રધાને પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ તથા મહત્વ સમજાવીને ઉપસ્થિત સૌને રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા પણ અનુરોધ કર્યો હતો.

મિલેટ્સની ખેતી ફાયદાકારક
કૃષિ મંત્રી રાઘવજી પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, મિલેટ્સની ખેતી ખેડૂત, જમીન અને ખોરાક લેનાર વ્યક્તિ એમ તમામ માટે ફાયદાકારક છે. બાળકથી લઈને વૃદ્ધ, દરેક વયની વ્યક્તિ માટે મિલેટ અતિ આરોગ્યપ્રદ છે. તેમણે કહ્યું કે, 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાના વડાપ્રધાનના પ્રસ્તાવનું સમર્થન વિશ્વના 72 દેશોએ કર્યું હતું. તેના પરિણામે સુપરફૂડ મિલેટના ફાયદા વિશ્વના અનેક દેશો સુધી પહોંચ્યા છે.

7 મહાનગરપાલિકાઓમાં મિલેટ મહોત્સવ

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં 8મી અને 9મી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ યોજાશે. રાજ્યભરના મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ એક મંચ પર આવશે. વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓમાં અનેરૂ આકર્ષણ જગાવશે.

વધુમાં, 25 જેટલાં લાઈવ ફૂડ સ્ટોલ્સ પરથી મુલાકાતીઓને મિલેટની અનેકવિધ વાનગીઓ જેવી કે, મિલેટ ઢોકળાં, થેપલાં, ખીચું, ભેળ, ચાટ, ઢોસા, ઈડલી, સૂપ, ગુલાબજાંબુ, લાડું, કઢી, પુરી, નાચોઝ, ચિપ્સ, બ્રાઉની, ક્રિસ્પી મિલેટ, ભાખરી, હાંડવો, પાણીપુરી, ખાખરા, સુખડી, લાપસી, ખીચડી, રોટલા, પાપડ, સેવ મમરા, ચવાણું, લિટલ મિલેટ, ફોક્સટેલ મિલેટ, બાન્યાર્ડ મિલેટ, વફલ્સ, મોમોઝ, મફીન્સ, પફ વગેરેનો આસ્વાદ માણવા મળશે.

Also read : વડોદરા હરણી બોટ કાંડઃ મૃતક બાળકો અને શિક્ષકો માટે તંત્ર દ્વારા વળતર જાહેર કરાયું…

રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવના પ્રારંભ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, રાજ્યસભા સાંસદ નરહરિ અમીન, સ્થાનિક ધારાસભ્યો, અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલ, અ.મ્યુ.કો.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, કૃષિ, આત્મા અને બાગાયત વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button