આ વર્ષે ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાંથી મેમરી ચિપ બનાવવાનું શરૂ થશે: અશ્વિની વૈષ્ણવની જાહેરાત

ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં થયેલા એમઓયુના કાર્યક્રમ દરમિયાન યુનિયન ઇન્ફર્મેશન અને ટેકનોલોજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ સાથે કહ્યું હતું કે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં ભારતમાંથી પહેલી મેમરી ચિપ બનાવાશે અને તે પણ ગુજરાતમાંથી બનાવાશે. આ ક્ષણ અને આ વાત સમગ્ર દેશને ગૌરવ આપનારી છે અને આ વિકસિત ભારતનો પાયો નખાઈ રહ્યો છે.
અશ્વિની વૈષ્ણવે પોતાના ભાષણમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને તમામ ટીમને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે જેટલી ઝડપથી અહીંયા કામ થયું છે તે જોતા અમે વિશ્વના કોઈ પણ ખૂણામાં જઈને કહી શકીએ કે અમારા દેશમાં એવી રાજ્ય સરકારો છે જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાક્ષાત કરવા માટે તત્પર છે અને તૈયાર પણ છે. તેમણે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાતમાં જે ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ થઇ રહ્યો છે તે 2047ના વિકસિત ભારતનો પાયો છે.
તેમણે સેમિકન્ડક્ટર ચિપ બનાવતી માઇક્રોન કંપનીને અને તેમની સાથે વિશ્વની તમામ સેમિકન્ડક્ટર ક્ષેત્રસાથે જોડાયેલી કંપનીઓને ખાસ અપીલ કરી હતી કે તેઓ ગ્રીન પાવર નો ઉપયોગ કરે . તેમણે કહ્યું હતું કે ભારતમાં 30,000 મેગા વોટ ગ્રીન પાવર એક જ લોકેશન પર ઉપલબ્ધ છે આનો ઉપયોગ તમામ કંપનીઓએ કરવો જોઈએ.
આ સાથે તેમણે જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આગામી 10 વર્ષમાં દસ લાખ કરતા પણ વધારે કૌશલ્યવાન માનવ બળની જરૂર પડશે આ માનવબળ ભારત આખા વિશ્વને પૂરું પાડે તે માટે સક્ષમ છે . તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે લગભગ 104 યુનિવર્સિટી અથવા શૈક્ષણિક સંસ્થાઓ સાથે કોલાબરેશન કરીને સેમિકન્ડક્ટર અને અધ્યતન ટેકનોલોજી માટે કામ આવે તેવા અભ્યાસક્રમોની શરૂઆત કરી છે .
જેના લીધે તાલીમ પામેલો એક મોટો વર્ગ ઉભો થશે તેમને માઇક્રોન કંપનીને ગાંધીનગર ખાતે આવેલી આઇઆઇટીમાં એક સેન્ટર ફોર એક્સેલેન્સ ઉભું કરવા માટે આગળ આવવાની પણ અપીલ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર આ ક્ષેત્ર એવું છે કે જેમાં રોજ માટે નવા સંશોધનોની જરૂર પડશે આથી માઇક્રોન તેમનો અનુભવ અને તેમનું જ્ઞાન આપે અને ગુજરાત ગવર્મેન્ટની મદદથી એક સેન્ટર ફોર એક્સેલેન્સ ઊભું કરે.
વાઇબ્રન્ટ ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના માંધાતાઓ હાજર હતા તેમને પોતાના અનુભવો અને વિચારો શેર કર્યા હતા અને અહીં એમોયુ સાઇન કરવામાં આવ્યા હતા જોકે અગાઉ જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અમેરિકા મુલાકાત દરમિયાન જ માઇક્રોન કંપની સાથે કરાર થયો હતો અને દેશની પહેલી સેમી કંડકટર કંપની ગુજરાતના સાણંદમાં ઊભી કરવાનું નિર્ણય લેવામાં આવ્યો હતો.