મોંઘી ફીએ વિદ્યાર્થીઓના ડૉક્ટર બનવાના સપના તોડ્યાઃ ફાર્મસીમાં રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન

અમદાવાદઃ અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં મેડિકલ કોર્સ કરવા અઘરાં અને મોંઘા છે. ઘણા હોનહાર વિદ્યાર્થીઓના માતા-પિતા લાખોની ફી ન ચૂકવી શકતા હોવાથી તેમના સંતાનોનું ડોક્ટર બનવાનું સપનું રોળાઈ જાય છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 1995થી એક પણ નવી સરકારી મેડિકલ કૉલેજ નથી બની. ગુજરાત સરકારના સહયોગથી ચાલતી મેડિકલ કૉલેજોમાં પણ અધધધ ફી હોવાથી ગરીબ તો શું મધ્યમવર્ગીય કે ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવાર માટે પણ સંતાનની ઈચ્છા પૂરી કરવાનું અઘરું બની જાય છે. આની આડઅસર જેવા એક સમાચાર જાણવા મળ્યા છે, જેમાં ગુજરાતમાં ફાર્મસીના કોર્સમાં આ વખતે રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે.
ગુજરાતમાં ધો. 12 સાયન્સ પછી ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ આપવામા આવે છે. ચાલુ વર્ષે પહેલી વખત ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે સૌથી વધુ 22,500 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બીજી તરફ મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે થઇ રહેલા વિલંબ, મેડિકલ અભ્યાસ મોંઘુ થતા તેનો સીધો ફાયદો ફાર્મસી કોલેજોને મળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
ગુજરાતમાં ફાર્મસી કોલેજોમાં એ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે છે. હાલમાં ડિગ્રી ફાર્મસીની 7,500 અને ડિપ્લોમા ફાર્મસીની 1500 મળીને અંદાજે 9500 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. ધો.12 સાયન્સ પછીના ડીગ્રી-ડિપ્લોમાં ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે હાલમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ બાદ હજુ સુધી પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ શકી નથી. નીટના વિવાદને લઇને પરીક્ષા ફરીવાર લેવાશે કે કેમ? તેવી દ્વિધા વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે. નીટ ફરીવાર લેવામાં આવે અથવા તો હાલની નીટ પ્રમાણે જ પ્રવેશ ફાળવવામાં વિલંબ થાય તેવી સ્થિતિમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ ફાર્મસીમાં પ્રવેશ અથવા તો રજિસ્ટ્રેશન કરવાનું શરૂ કર્યું છે. ફાર્મસીમાં પ્રવેશ માટે 9મી એપ્રિલથી લઇને 8મી જુલાઇ સુધી સળંગ ત્રણ વખત મુદત લંબાવવી પડી હતી. હાલમાં મુદત પૂરી થઇ ચૂકી છે. ગત વર્ષે ફાર્મસીમાં પ્રવેશ માટે અંદાજે 15 હજાર વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેની સામે ચાલુ વર્ષે 22500 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.
સૂત્રો કહે છે કે, નીટના વિવાદ અને મેડિકલ અભ્યાસ મોંઘુ પગલે અનેક વિદ્યાર્થીઓએ છેવટે ફાર્મસીમાં પ્રવેશ લઇ લેવાનું નક્કી કર્યું હોય છે. સામાન્ય રીતે બી ગ્રૂપના વિદ્યાર્થીઓ મેડિકલ-ડેન્ટલ સહિતના કોર્સ પછી ફાર્મસીમાં પ્રવેશ લેવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ ચાલુ વર્ષે નીટ અને મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા કયારે શરૂ થશે આ ઉપરાંત આયુર્વેદ, ડેન્ટલ, હોમિયોપથીમા પ્રવેશ પ્રક્રિયાની અનિશ્ચિતતા વચ્ચે ફાર્મસીમાં રજિસ્ટ્રેશન કરાવી લીધું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છાથી ફાર્મસી જેવા કોર્સમા એડમિશન મેળવે તે સારી વાત છે, પણ ડૉક્ટર બનવા ઈચ્છતો અને કાબેલિયત ધરાવતો વિદ્યાર્થી મોંઘા શિક્ષણને કારણે અન્ય કોર્સ તરફ વળે તે સરકાર અને સમાજ બન્ને માટે ચિંતાજનક સ્થિતિ છે.