આપણું ગુજરાત

ગુજરાતની 39 સ્વનિર્ભર મેડિકલ સહિત પેરા મેડિકલ કોલેજોની ફીમાં વધારો જાહેર કરાયો

અમદાવાદઃ ગુજરાતમાં સ્વનિર્ભર કોલેજોનું મેડિકલ એજ્યુકેશન હવે મોંઘુ થશે. મેડિકલ શિક્ષણની ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજનું ફી માળખુ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં MBBSની ફી માત્ર વર્ષ 2024-25ની જાહેર કરાઈ છે, એ સિવાયના કોર્સની ત્રણ વર્ષની ફી જાહેર કરવામાં આવી છે. FRC દ્વારા મેડિકલ કોલેજોને સરકારી બેઠક પર માત્ર રૂ. 10 હજારથી 2.44 લાખ સુધીનો વધારો આપ્યો છે. ફી કમિટીને વેબસાઇટ પર તમામ પ્રકારની ફીનું માળખું મૂકવામાં આવ્યું છે. હાલમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ હવે નવી જાહેર કરાયેલી ફી ભરવાની રહેશે.

ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી સહિતની કોલેજોની ફી ત્રણ વર્ષની

ગુજરાતમાં આવેલી સ્વનિર્ભર મેડિકલ અને પેરા મેડિકલની ફી વર્ષ 2020-21માં નક્કી થાય બાદ અત્યાર સુધી જૂની ફી પ્રમાણે જ કાર્યવાહી ચાલતી હતી. ત્યારે ફી કમિટી દ્વારા આજે મેડિકલની કુલ 39 કોલેજોની ફી એક વર્ષ એટલે કે વર્ષ 2024-25 માટે નક્કી કરવામાં આવી છે. ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી સહિતની કોલેજોની ફી ત્રણ વર્ષ એટલે કે વર્ષ 2026-27 સુધીની નક્કી કરવામાં આવી છે. મેડિકલની આગળના બે વર્ષની ફી આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. તમામ સ્વનિર્ભર કોલેજોના ખર્ચ, હિસાબો અને ડેવલપમેન્ટ સહિતની રકમનો ઉમેરો કરીને ત્રણ વર્ષની ફી નક્કી કરાઈ છે. ફી કમિટી દ્વારા તમામ પાસાઓ નક્કી કર્યા પછી આ ફી નક્કી કરાઈ હોવાનો દાવો કરાયો છે. આ ઉપરાંત કોલેજો ચાલુ રહે તે દિશામાં પણ વિચારવાનું હોવાથી વ્યાજબી ધોરણે ફી નક્કી કરવામાં આવી હોવાનું પણ કહેવાયું છે.

કઇ મેડિકલ કોલેજની કેટલી નક્કી થઇ ફી

મેડિકલ શિક્ષણની ફી રેગ્યુલેટરી કમિટી (FRC) એ જાહેર કરેલી ફીમાં 19 મેડિકલ કોલેજની MBBSની ફીમાં 10 ટકાથી લઈને 50 ટકા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેમાં સૌથી વધુ નડિયાદની એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજને રૂ. 7.50 લાખ એટલે કે, 50 ટકાના વધારા સાથે બખ્ખાં કરાવ્યાં છે. આ કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ. 15 લાખથી વધારીને રૂ. 22.50 લાખ કરાઈ છે જ્યારે સરકારી ક્વોટાની ફી રૂ. 7.85 લાખથી વધારી રૂ. 9.81 લાખ કરાઈ છે. આ સિવાય સુરત મ્યુનિ. ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ કોલેજની ફીમાં પણ રૂ. 5.14 લાખનો વધારો કરાયો છે. આ કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ. 14.82 લાખથી વધારી રૂ. 19.96 લાખ કરાઈ છે. જોકે સૌથી વધુ રૂ. 23 લાખ ફી AMC MET મેડિકલ કોલેજની મંજૂર કરવામાં આવી છે. અમદાવાદ સ્થિત NHL મેડિકલ કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં રૂ. 4.63 લાખનો વધારો કરાયો છે.

નર્સિંગ કોલેજોની ફીની જાહેરાત નહી

ગુજરાતની મેડિકલ અને પેરા મેડિકલ સહિતની કુલ 1200થી વધારે કોલેજોની આગામી ત્રણ વર્ષ માટે નવી ફીની જાહેરાત કરી દેવામાં આવી છે. પેરા મેડિકલની ફીમાં નર્સિંગ કોલેજોની ફી જાહેર કરવામાં આવી નથી. સૌથી વધુ નર્સિંગ કોલેજો હોવાથી તેની ફી હવે પછી જાહેર કરાશે. આ ઉપરાંત સ્વનિર્ભર મેડિકલ કોલેજોની ફી એક વર્ષ માટે જ જાહેર કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ફી જાહેર કરવાની હોવાથી બાકીના વર્ષની ફી આગળના વર્ષે જાહેર કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. જુદી જુદી કોલેજોને વધુમાં વધુ બે ટકા અને વધુમાં વધુ 25 ટકા સુધીનો ફી વધારો આપવામાં આવ્યો છે.

Show More

Related Articles

Back to top button
ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને