Morbi accident: મોરબીમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી….
મોરબી: ગઈ કાલે શુક્રવારે સાંજે મોરબી(Morbi)માં એક મોટો અકસ્માત સર્જાયો હતો. નિર્માણાધીન મેડિકલ કોલેજ(Medical College)ની બિલ્ડીંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. અહેવાલો મુજબ આ અકસ્માતમાં પાંચ કર્મચારીઓ ઘાયલ થયા છે.
અધિકારીના જણાવ્યા મુજબ શુક્રવારે રાત્રે 8 વાગ્યે નવી બિલ્ડિંગના પહેલા માળે કોંક્રીટ ફિલિંગ કામ દરમિયાન આ ઘટના બની હતી. ઘટના બનતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
મોરબીના ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ફાયર સ્ટેશન પર રાત્રે 8 વાગ્યે કોલ આવ્યો હતો. અમારી ટીમે ઘટના સ્થળે પહોંચીને ચાર લોકોને બચાવી લીધા હતા. એક શ્રમિક કાટમાળ નીચે ફસાઈ ગયો હતો, માત્ર તેનો ચહેરો જ દેખાઈ રહ્યો છે. તેનું આખું શરીર સ્લેબ અને કોંક્રીટ વચ્ચે ફસાઈ ગયું છે. સવારે લગભગ 3 વાગ્યે અમે તેને પણ બહાર કાઢ્યો હતો અને તેને હોસ્પિટલમાં રીફર કર્યો.
ઘટનાસ્થળે પહોંચેલા ભાજપના વિધાનસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કહ્યું કે મોરબીમાં સરકારી મેડિકલ કોલેજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આં દરમિયાન સ્લેબ પડી ગયો, આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અમે સરકારને વિનંતી કરીશું કે આ માટે જે પણ જવાબદાર હોય તેની સામે પગલાં લેવામાં આવે.