Patan મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ 15 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

પાટણ : પાટણ(Patan) જિલ્લામાં આવેલા ધારપુર GMERS મેડિકલ કોલેજમાં એમબીબીએસના એક વિદ્યાર્થી સાથે તેના સિનિયરો રેગિંગ કર્યું હતું જેના કારણે તેનું મોત થયું હતું. મળતી વિગતો પ્રમાણે GMERS મેડિકલ કોલેજના 15 જેટલા સિનિયર્સ વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ પણ હાથ ધરી દીધી છે. બીજી તરફ ધારપુર મેડિકલ કૉલેજમાં એબીવીપી તરફથી ભારે વિરોધ દર્શાવતા મોડીરાતે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.
ત્રણ કલાક સુધી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ઉભા રાખતા
આ કેસની મળતી માહિતી મુજબ તપાસ સમિતિએ સોંપેલા રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પાટણની GMERS કોલેજમાં એક વિદ્યાર્થીના મોત બાદ તપાસ સમિતિએ કરેલી તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે સિનિયર વિદ્યાર્થીઓ ત્રણ ત્રણ કલાક સુધી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ઉભા રાખતા હતા. સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા તેમના પહેલા વર્ષના વિદ્યાર્થીઓને ઓળખાણ આપવા, ડાન્સ કરવા, ગીત ગાવા માટે કે પછી અપશબ્દો બોલવા માટે પણ મજબૂર કરવામાં આવતા હતા.
રેગિંગ બાદ સારવાર દરમિયાન મોત થયું
આ વિદ્યાર્થીઓએ ત્રણ કલાક સુધી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ઊભા રાખીને રેગિંગ કર્યું હતું જેમાં એક વિદ્યાર્થીની તબિયત લથડી હતી. તેના તબિયત લથડતા હાલત ગંભીર થઈ ગઈ હતી. જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં વિદ્યાર્થીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું
MBBSના પ્રથમ વર્ષમાં અભ્ચાસ કરતા 18 વર્ષના અનિલ મેથાણીયા નામના વિધાર્થીનું મોત નીપજ્યું હતું. મૃતક સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રા તાલુકાનાં જેસડા ગામનો વતની હતો. આશાસ્પદ પુત્રના અચાનક મૃત્યુથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ મામલે તપાસ કરવામાં આવી અને અત્યારે 15 જેટલા વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
છ મહિના પૂર્વે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ચાર ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે 24મી મે 2024ના રોજ અમદાવાદ કોર્પોરેશનના મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત મણિનગરની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના ચાર સિનિયર ડોક્ટરને રેગિંગ મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ચારેય સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરો પાસે રેગિંગ કરાવવામાં આવતું હતું.