વિકાસની વાતો વચ્ચે કુપોષણનો ડંખ? ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો!

અમદાવાદઃ ગુજરાત સરકાર બજેટમાં કરોડો રૂપિયા ફાળવે છે તેમ છતાંય કુપોષણની સ્થિતીમાં ઝાઝો ફરક પડ્યો નથી. રાજ્યમાં કુપોષણનો શિકાર થયેલા બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો હતો. સંસદમાં ખુદ કેન્દ્ર સરકારે રજૂ કરેલાં રિપોર્ટમાં ગુજરાતમાં કુપોષણની કેવી સ્થિતી છે તેનો ખુલાસો થયો હતો.
કેન્દ્ર સરકારે સાંસદમાં ૨જૂ કરેલાં રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર છે. ભાજપના શાસનમાં સરકારી યોજનાઓ થકી મળતિયા, ભ્રષ્ટ અધિકારી પોષિત થયાં છે પણ બાળકો તો કુપોષિત જ રહ્યાં છે.
જૂન-2025 સુધી ગુજરાતમાં ઓછુ વજન ધરાવતાં આદિવાસી બાળકોની સંખ્યા 1,71,570 હતી. જ્યારે અતિ ઓછુ વજન ધરાવતાં 1,11,862 આદિવાસી બાળકો હતા. ઓછી ઉંચાઈ ધરાવતાં 37,695 બાળકો હતા. કુલ મળીને 3,21,127 આદિવાસી બાળકો કુપોષિત હતા.
રાજ્યમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કુપોષણમુક્ત ગુજરાત અભિયાન, નમોશ્રી યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ યોજના, મમતા અભિયાન સહિત ઘણી યોજનાઓ અમલમાં છે. દર વર્ષે કુપોષણ દૂર કરવાના નામે લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ખર્ચવામાં આવે છે તેમ છતાંય ગુજરાતમાં કુપોષણની સ્થિતી યથાવત રહી હતી. રિપોર્ટ મુજબ, ગુજરાત કરતાં બિહાર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ત્રિપુરા, કેરલા, તમિલનાડુમાં કુપોષિત આદિવાસી બાળકોની સંખ્યા ઓછી હતી.
આ પણ વાંચો…સમૃદ્ધ ગુજરાતની શરમઃ રાજ્યમાં 5.40 લાખ બાળક કુપોષિત