ગુજરાતમાં પુરુષોનો મૃત્યુદર મહિલાઓ કરતાં વધુ: હાર્ટ અટેકનાં કિસ્સાઓમાં ચિંતાજનક વધારો
કોવિડ પછી બદલાયેલી જીવનશૈલી અને નબળાં હૃદય: પુરુષો સરેરાશ એક દાયકો વહેલાં મૃત્યુ પામે છે

અમદાવાદ: કોરોના પછી રાજ્યમાં ગરબા કે રમત ગમત દરમિયાન હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. મોટા ભાગના કિસ્સામાં પુરુષોના જ મોત થયા છે. આ દરમિયાન ભારતના વસ્તી ગણતરીના સામે આવેલા આંકડા મુજબ ગુજરાતમાં દર 1000 પુરુષોએ મૃત્યુદર મહિલાઓ કરતાં વધુ છે, જેમાં પુરુષો લગભગ એક દાયકા વહેલા મૃત્યુ પામે છે. 2023ના ડેટા મુજબ પુરુષોનો મૃત્યુદર 7.3 હતો, જ્યારે સ્ત્રીઓ માટે આ દર 5.4 હતો. મહિલાઓ કરતાં પુરુષોમાં આ દર 35 ટકા વધુ હતો. છેલ્લા પાંચ વર્ષમાં પુરુષ-મહિલા મૃત્યુદરનો તફાવત સરેરાશ 33 ટકા હતો.
પુરુષોના મૃત્યુદરમાં થયો વધારો
2023ના ડેટા મુજબ રાજ્યમાં પુરુષો માટે પાંચ કે તેથી વધુનો મૃત્યુ દર 45-49 વર્ષની વયથી શરૂ થાય છે, જ્યારે સ્ત્રીઓ માટે તે 55-59 વર્ષની વયથી શરૂ થાય છે. કોવિડ-19 પહેલાના સમયગાળા (2019 અને 2020)ના 6.2ના સરેરાશ મૃત્યુદરની સરખામણીમાં પુરુષોનો મૃત્યુ દર 7.3 હતો. જ્યારે સ્ત્રીઓનો મૃત્યુ દર ઘટીને 5.4 થયો હતો, જે કોવિડ પહેલાના 5ના સરેરાશ દરની નજીક છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાની અસર: ૨૪ વર્ષમાં સૌથી ઓછો જન્મદર ૨૦૨૧માં નોંધાયો…
હૃદય પડી રહ્યા છે નબળાં
મૃત્યુ દરમાં વધારો થવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. રાષ્ટ્રીય ડેટા મુજબ દર ત્રણ મૃત્યુમાંથી એક મૃત્યુ કાર્ડિયોવાસ્ક્યુલર રોગો (હૃદય સંબંધિત બીમારીઓ)ને કારણે થાય છે. 108 ના 2023 ના ગુજરાતના ડેટા મુજબ, હૃદયની બીમારીઓના 72537 ઈમરજન્સી કેસ નોંધાયા હતા, જે 2022ની સરખામણીમાં 29 ટકાનો વધારો દર્શાવે છે.
આ પણ વાંચો : કોરોના પછી ભારતમાં બદલાયું જન્મ-મૃત્યુનુ ગણિતઃ વાંચો વિશેષ અહેવાલ
સૂત્રોના જણાવ્યા યુવા વયજૂથમાં હૃદયરોગમાં વધુ ઝડપથી વધારો થયો છે. એક દાયકા પહેલાની સરખામણીમાં આજે દર્દીઓ વધુ યુવાન છે અને તેમને રોગનું સ્વરૂપ વધુ ગંભીર છે. 40ના દાયકામાં રહેલા દર્દીઓ મલ્ટિપલ બ્લોકેજ, કેલ્સિફાઈડ પ્લાક અને નબળા હૃદય સાથે ઈમરજન્સી સારવાર માટે આવે છે. જોકે, એસ્ટ્રોજન સ્ત્રીઓને રક્ષણ આપે છે, પરંતુ 50 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રીઓમાં પણ હૃદય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે.
કેમ વધ્યા આવા રોગ
સૂત્રોના કહેવા મુજબ, આ રોગો વધવા પાછળ આધુનિક જીવનશૈલી, જેમ કે બેઠાડું જીવનશૈલી, વધુ કેલરીવાળો અને પ્રોસેસ્ડ ખોરાક, અનિયમિત ઊંઘ અને સ્ક્રીન ટાઈમમાં વધારો જેવા પરિબળો જવાબદાર છે.