ગુજરાતના મતદારોમાં ઉત્સાહ ઘટ્યો, ગત ચૂંટણી કરતા પાંચ ટકા જેટલું ઓછું મતદાન, જુઓ આંકડા
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં 63.66 ટકા અને 2019 માં 64.12 ટકા મતદાન નોંધાયુ હતુ
ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election) ના ત્રીજા તબક્કા હેઠળ ગુજરાતની સુરત સિવાયની 25 લોકસભા બેઠક પર મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચ (Election Commission) એ મોડી રાત્રે જાહેર કરેલા આંકડા મુજબ ગુજરાતમાં સરેરાશ 59.49 ટકા જેટલું મતદાન નોંધાયુ હતું. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે ગુજરાતના મતદારોમાં મતદાન માટે ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો, આ વખતે મતદાનની ટકાવારીમાં 4.5% નો ઘટાડો નોંધાયો છે.
ગુજરાતનમાં સૌથી વધુ મતદાન વલસાડ જીલ્લામાં 72.24 ટકા અને સૌથી ઓછું અમરેલીમાં 49.22 ટકા નોંધાયું હતું. વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, બારડોલી અને આણંદ બેઠકો પર 60 ટકાથી વધારે મતદાન નોંધાયું હતું. અમરેલી, પોરબંદર અને ભાવનગર બેઠકો પર સૌથી ઓછું મતદાન નોંધાયું હતું.
આ પણ વાંચો: EVM Puja: મહારાષ્ટ્રના મતદાન મથકમાં EVMની પૂજા, NCP નેતા સહીત 8 સામે કેસ દાખલ
ગુજરાતમાં વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં 63.66 ટકા અને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 64.12 ટકા મતદાન નોંધાયુ હતુ.
લોકસભા ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. વિધાનસભાની પેટા ચૂંટણી માટે વિજાપુરમાં 64.04, પોરબંદરમાં 57.99, માણાવદરમાં 53.93, ખંભાતમાં 66.28, વાઘોડિયામાં 70.20 ટકા મતદાન નોંધાયુ હતું.
મળતી માહિતી મુજબ રાજ્યમાં ચુંટણી પંચને EVM સંબંધી 11, આદર્શ આચારસંહિતા સંબંધી 21 તથા બોગસ વોટીંગ, કાયદો વ્યવસ્થા, ક્રાઉડીંગ વગેરે અંગે 18 અને અન્ય બાબતોને લગતી 42 મળી કુલ 92 ફરિયાદો મળી છે.
આ પણ વાંચો: ગુજરાતનાં હવામાનમાં પલટો, એકતરફ આકરી ગરમી તો બીજી તરફ વરસાદી માહોલ
મુખ્ય ચૂંટણી અધિકારીએ એ ચૂંટણી કર્મચારીઓની પ્રશંસા કરતાં કહ્યું કે, લગભગ 40થી 41 ડિગ્રીની ગરમીમાં પણ મતદાન સ્ટાફે ખૂબ જ નિષ્ઠાથી ફરજ નિભાવી છે તે બદલ મતદાન કર્મચારીઓ તથા તેમના પરિવારજનોનો આભાર.