Gujaratમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોડી યોજાવાની શક્યતા

ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat) જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ મોડી યોજાવવાની શકયતા છે. ગુજરાતમાં બનાસકાંઠા અને ખેડાની બે જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 78 નગરપાલિકા તેમજ જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થવાની તૈયારી હતી. જોકે, મતદાર યાદીની પ્રસિદ્ધિને લઇને સમગ્ર કોકડુ ગૂંચવાયુ છે. જેના લીધે ડિસેમ્બરના અંતમાં યોજાનારી ચૂંટણી હવે ફેબ્રુઆરી માસમાં યોજાય તેવી શકયતા છે.
ચૂંટણી પંચે શુક્રવારે સાંજે આદેશ બહાર પાડ્યો
જેમાં ચૂંટણી પંચે શુક્રવારે સાંજે આદેશ બહાર પાડી જાહેર કર્યું છે કે, ચૂંટણી યોજાનારી પાલિકા-પંચાયતો તથા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મતદાર યાદીઓ તૈયાર કરી તેની તા. 19-12-24ના રોજ પ્રાથમિક પ્રસિદ્ધિ થશે, નિયમ-3 (6) હેઠળ નમૂના નંબર 1 (6) તથા 1 (ખ) મુજબ દાવા અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ 8-1-25 રહેશે અને રજૂ થયેલા દાવા અરજીઓની ચકાસણી તથા દાવા અંગે આખરી નિર્ણય તા. 15-1-25 સુધી થશે.
ચૂંટણી ફેબ્રુઆરી માસમાં યોજાય તેવી શક્યતા
જેના લીધે ડિસેમ્બરની 15-16 તારીખોમાં ચૂંટણીની જાહેરાત થવાની અને જાન્યુઆરીના પહેલા-બીજા સપ્તાહમાં ચૂંટણીઓ યોજાવાની જે ધારણા રખાતી હતી, તે ઠગારી નીવડી છે. હવે મતદારયાદીઓ અંગે આખરી નિર્ણય 15મી જાન્યુઆરી સુધી થાય એ પ્રમાણે જાન્યુઆરીની 20થી 25 તારીખોમાં ચૂંટણીની જાહેરાત થાય અને એ ચૂંટણી ફેબ્રુઆરીના બીજા
અથવા ત્રીજા અઠવાડિયામાં યોજાય.
આ પણ વાંચો…Gujaratમાં શીત લહેરથી લોકો ઠૂંઠવાયા, આગામી દિવસમાં ભુક્કા બોલાવશે ઠંડી
મતદારયાદી પ્રસિદ્ધ કરવા નિયમોનુસાર કાર્યવાહી કરશે
રાજ્ય ચૂંટણીપંચે એવું પણ જાહેર કર્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ફોટાવાળી મતદારયાદી તૈયાર કરવા માટે ગુજરાત ઇન્ફોટેક લિમિટેડ, અમદાવાદને કોન્ટ્રાક્ટ અપાયો છે. આ એજન્સી ફોટાવાળી મતદારયાદી માટે વોર્ડવાર, વિભાગવાર જરૂરી વિગતો ઉપલબ્ધ કરાવી, ચકાસણી કરી તેઓની પાસેથી હાર્ડકોપી-સોફ્ટકોપી મેળવી મતદારયાદી પ્રસિદ્ધ કરવા નિયમોનુસાર કાર્યવાહી કરશે.