રાજ્યમાં નવી 9 મહાનગરપાલિકામાં 10 દિવસમાં અનામત મુજબ બેઠક ફાળવણીના આદેશ...
આપણું ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં નવી 9 મહાનગરપાલિકામાં 10 દિવસમાં અનામત મુજબ બેઠક ફાળવણીના આદેશ…

અમદાવાદઃ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ તીવ્ર કરી છે. જેમાં જૂની 6 મહાનગરપાલિકા સાથે નવી 9 નવરચિત મહાનગરપાલિકા સહિત કુલ 15 મહાનગરપાલિકાઓ માટે આગામી ચૂંટણી યોજવાની દિશામાં કામગીરી શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયાનું મહત્વપૂર્ણ પગલું તરીકે આગામી 10 દિવસમાં નવી મહાનગરપાલિકાઓ માટે વોર્ડ સીમાંકન અને અનામત મુજબ બેઠક ફાળવણીનો આદેશ આપવામાં આવ્યો હતો.

રાજ્ય ચૂંટણી આયોગે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર ઉપરાંત નવી બનાવેલી 9 મહાનગરપાલિકાઓ – ગાંધીધામ, મહેસાણા, પોરબંદર, કરમસદ-આણંદ, નડિયાદ, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર અને વાપી માટે 2011ની વસ્તી ગણતરીના આધારે 13 વોર્ડ અને 52 બેઠકો માટે વોર્ડ રચનાના સૂચનો આપી ચૂક્યા છે.

2011 પછી વસ્તી ગણતરી ન થવા છતાં વોર્ડ સીમાંકન અને અનામતના આધાર તરીકે તે જ આંકડાનો ઉપયોગ કરાશે. જેમાં એક પોળ, વાસ, શેરી કે સોસાયટીનું વિભાજન વિના, વધુમાં વધુ 10 ટકા વસ્તી વિસંગતતા સુધી સીમાંકન કરવાનું રહેશે. વોર્ડોની ગણતરી શહેરના ઉત્તર-પશ્ચિમ ખૂણેથી શરૂ કરીને દક્ષિણ-પૂર્વ દિશામાં ઝીગઝેગ પદ્ધતિથી આગળ વધશે.

આગામી મહાનગરપાલિકા ચૂંટણીમાં હવે 27 ટકા ઓબીસી અનામત લાગુ કરવામાં આવી છે, જે અગાઉ માત્ર 10 ટકા હતી. તેના કારણે જૂની 6 મહાનગરપાલિકાઓમાં રોટેશન પણ બદલાવાશે અને નવા મેયરપદના અનામત ફાળવણીમાં પરિવર્તન આવશે. મહેસાણા, પોરબંદર, ગાંધીધામ, આણંદ, નડિયાદ જેવા શહેરોમાં એસસી અનામત બેઠક પરથી પ્રતિનિધિત્વ મળતા નગરસેવકો માટે પહેલી વાર મેયરપદની તક પણ મળી શકે છે.

આ રોટેશન અંગે નોટિફિકેશન શહેરી વિકાસ વિભાગ દ્વારા નવેમ્બર-ડિસેમ્બર 2025માં જાહેર થવાની સંભાવના છે. તદુપરાંત, ચૂંટણી પંચે નવી રાષ્ટ્રીય ઓબીસી અનામત ગાઈડલાઈન આધારે કલેક્ટરોને ચૂંટણી અધિકારી તરીકે સ્વતંત્ર સર્વેની છૂટ આપી છે. નવા સીમાંકન અંગેની વિગત 28 જુલાઈ સુધી મોકલાવાની રહેશે અને 4 ઓગસ્ટ સુધી સત્તાવાર દરખાસ્ત મોકલવાની છે. આ અનુસાર, ચૂંટણી આયોગ વડે નાગરિકો અને રાજકીય પક્ષો પાસેથી વાંધા-સૂચનો મંગાવ્યા બાદ પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવશે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button