ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વહેલી થવાના એંધાણ? એકસાથે 50,000 નવા EVMનો ઓર્ડર અપાયો

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે અત્યારે સમયસર ચૂંટણી યોજવાની ગણતરી સાથે તૈયારી શરૂ કરી છે. કોઇ અણધાર્યા કારણસર ચૂંટણી વહેલી મોડી થવાનો વિકલ્પ ખૂલ્લો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજય ચૂંટણી પંચ દ્વારા દરેક કલેકટર પાસેથી મતદાન મથક, ઈ.વી.એમ.ની જરૂરિયાત વગેરે અંગે માહિતી માંગવામાં આવી છે. ચૂંટણીમાં જરૂરિયાત કરતા વધુ ઇ.વી.એમ તૈયાર રાખવામાં આવે છે. 70 થી 75 હજાર ઇવીએમની જરૂરિયાતને અનુલક્ષીને નવા 50 હજારથી વધુ ઇ.વી એમ ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ‘દાદા’ મારશે માસ્ટરસ્ટ્રોકઃ 17 નવા તાલુકાની થશે રચના
પંચાયતોની ચૂંટણીમાં મતદારે એક જ મત આપવાનો હોય છે. નગરપાલિકા અને મહાનગરપાલિકામાં વોર્ડ દિઠ ચાર-ચાર બેઠકો હોવાથી દરેક મતદારને 4 મત આપવાનો અધિકાર મળે છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મત મશીન જુદી જુદી સિસ્ટમના હોય છે. જાન્યુઆરીમાં ઇવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ થાય તેવા સંજોગો છે. ગુજરાતમાં નવી રચાયેલ 9 મહાનગર પાલિકાઓ અને 17 તાલુકા પંચાયતોની ચૂંટણી પણ અન્ય ચૂંટણીઓ સાથે થાય તેવી શકયતા છે



