આપણું ગુજરાત

ગુજરાતમાં ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક દેશ, એક ચૂંટણી પ્રયોગ હાથ ધરવામાં આવશે?

અમદાવાદઃ ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં સ્થાનિક સ્વરાજની એક લાખથી વધુ સીટ પર ચૂંટણી યોજાઈ શકે છે. વન નેશન વન ઈલેક્શનનો પ્રયોગ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. બે વર્ષથી મુદત પૂરી થઈ ગયેલી 5 હજાર ગ્રામ પંચાયત, નવી બનેલી 384 ગ્રામ પંચાયત અને ડિસેમ્બર 2026માં મુદત પૂરી થઈ રહેલી 9 હજાર પંચાયત ચૂંટણી 2025ના અંતમાં થશે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની એક લાખથી વધુ બેઠકો-વોર્ડની ચૂંટણી ડિસેમ્બર 2025 સુધીમાં એકસાથે કરવાની કવાયત ચાલી રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા થતી આ ચૂંટણીઓમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયતની તમામ બેઠકો સામેલ હશે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ધબડકા પછી પહેલી વાર ગુજરાત આવશે રાહુલ ગાંધી

ગુજરાતમાં નવી બનેલી મહાનગરપાલિકા અને પંચાયતોના સીમાંકન, બેઠક ફાળવણી અને મતદાર યાદી જેવી ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી ચાર મહિનામાં પૂરી થવાની શક્યતા છે. જૂની પાલિકા-પંચાયતોની મુદ્દત પણ માર્ચ 2026માં પૂરી થઇ રહી છે. નવી પાલિકાઓ સાથે જૂની પાલિકાઓની ચૂંટણી પણ ચારથી છ મહિના વહેલી કરવામાં આવી શકે છે. આમ, 17 મહાનગરપાલિકાની 1200 બેઠકો,149 નગરપાલિકાની આશરે 4000, 34 જિલ્લા પંચાયતની 1300 અને 231 તાલુકા પંચાયતની 4000 અને 14600 ગ્રામ પંચાયતની 1 લાખ જેટલી બેઠકોની ચૂંટણી એકસાથે કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપ દ્વારા વન નેશન વન ઇલેક્શનનું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં અલગ અલગ સંસ્થાઓ, શાળા કોલેજો, સોસાયટીમાં જઈને વન નેશન વન ઇલેક્શન અંગેના ઠરાવો કરાવી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના 63 ટકા મુસ્લિમ ઉમેદવાર જીત્યા તો 21 બિનહરીફ, છે કોઈ ‘સંકેત’?

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી 3 હજાર કરતા વધુ ગ્રામ પંચાયતની મુદત પૂરી થઈ ગઈ હોવાથી 3252 પંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિના બદલે વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. 6 મહિનામાં ચૂંટણી યોજવી અનિવાર્ય છે. પરંતુ, લગભગ 40 ટકા પંચાયતો અને પાલિકાઓમાં તલાટી, સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર, મામલદારના વહિવટ હેઠળ કામગીરી ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button