Top Newsઆપણું ગુજરાત

દારૂબંધી: ગુજરાતમાં કેસની સંખ્યા ઘટી, જપ્ત કરાયેલા જથ્થાની કિંમતમાં મોટો ઉછાળો…

અમદાવાદઃ ગુજરાતમાં કડક દારૂબંધીની ગુલબાંગો વચ્ચે રાજ્યના કોઈને કોઈ ખૂણામાંથી સમયાંતરે મોટો જથ્થો ઝડપાતો રહે છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસ દ્વારા દારૂના ખેપીયાને ઝડપી પાડવામાં આવતાં થોડો ફફડાટ ફેલાયો હતો. મળતી વિગત પ્રમાણે, વર્ષ 2024ની સરખામણીમાં 2025માં ગુજરાતમાં પ્રોહિબિશન હેઠળ નોંધાયેલા ગુનાઓમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ જપ્ત કરાયેલા દારૂના જથ્થા અને તેની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો છે.

દારૂબંધીના ગુનાઓની સંખ્યા 2024માં 32,203 હતી, જે 2025માં આંશિક રીતે ઘટીને 31,269 થઈ હતી. જોકે, જપ્ત કરાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની બોટલોની સંખ્યા 2024માં 94,40,110 હતી, જે 2025માં નાટકીય રીતે વધીને 1,11,50,959 થઈ હતી.

2024માં રૂ. 182.06 કરોડનો IMFL જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે 2025માં આ આંકડો વધીને રૂ. 317.82 કરોડ થયો હતો. પોલીસના સૂત્રો આ ટ્રેન્ડ માટે સચોટ બાતમી, સરહદો પર ચુસ્ત દેખરેખ અને પાડોશી રાજ્યો સાથેના બહેતર સંકલનને જવાબદાર માને છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, અમારી ટીમો સરહદ પર અથવા ડિલિવરી પોઈન્ટ પહેલા જ માલ પકડવામાં સફળ રહી છે, જેના કારણે બુટલેગરો મોટા જથ્થાને નાની ટુકડીઓમાં વહેંચી શક્યા નથી.

2024માં પોલીસે દારૂના પરિવહન માટે વપરાતા 20,241 વાહનો જપ્ત કર્યા હતા, જે 2025માં ઘટીને 7,758 થયા હતા. સૂત્રોએ કહ્યું કે, 2025માં પકડાયેલા વાહનોની સંખ્યા ઓછી છે. અગાઉ, દારૂને અનેક નાના વાહનોમાં લઈ જવામાં આવતો હતો. આ જ ટ્રેન્ડ દેશી દારૂના કિસ્સામાં પણ જોવા મળ્યો છે. 2024માં દેશી દારૂના કેસો 1,69,820 હતા, જે 2025માં ઘટીને 1,51,083 થયા હતા. જોકે, જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 7.73 કરોડથી વધીને રૂ. 16.83 કરોડ થઈ હતી. કેસ ઓછા હોવા છતાં કિંમત બમણાથી વધુ થઈ છે, જે જથ્થાબંધ હેરાફેરી સૂચવે છે. ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા પણ 2024માં 45,023 હતી જે 2025માં ઘટીને 42,117 થઈ છે.

બિશ્નોઈ ગેંગ રડાર પર

સૂત્રો મુજબ, ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના વેપારનો મોટો હિસ્સો બિશ્નોઈ ગેંગ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. તેમની મોડસ ઓપરેન્ડી જથ્થાબંધ દારૂ લાવીને સ્થાનિક બુટલેગરોને સોંપવાની છે. જોકે, કડક અમલીકરણને કારણે આ જથ્થો સોંપણી પહેલા જ પકડાઈ રહ્યો છે.

તાજેતરના મોટા દરોડા

તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એ વડોદરાના વાઘોડિયા પોલીસ વિસ્તારમાં રૂ. 17.72 લાખની કિંમતની IMFLની 6,129 બોટલો ઝડપી પાડી હતી. આ ઉપરાંત, અમદાવાદ પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ એ માધવપુરામાંથી રૂ. 9.59 લાખની કિંમતની 2,340 બોટલો જપ્ત કરી હતી. આ બંને કાર્યવાહી ગુરુવારે કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વર્ષો સુધી જોવા મળેલી સતત વૃદ્ધિ બાદ, હવે ગુજરાતમાં દારૂના ‘હેલ્થ પરમિટ’ ધારકોની સંખ્યા એક સ્તરે આવીને અટકી ગઈ હોય તેમ લાગે છે. રાજ્ય સરકારના આંકડા દર્શાવે છે કે સક્રિય લિકર હેલ્થ પરમિટ ધારકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2024માં પરમિટની કુલ સંખ્યા 45,000 હતી, જે 2025માં વધીને 45,500 થઈ હતી, એટલે કે માંડ 1 ટકાનો વધારો થયો છે. જોકે અમદાવાદ, સુરત જેવા શહેરોના બદલે જામનગરમાં લિકર પરમિટ ધારકોની સંખ્યા વધી હતી.

આ પણ વાંચો…દારૂબંધીના કડક અમલ માટે બનાસકાંઠાની છાપરા પંચાયતનો મહત્ત્વનો નિર્ણય: દારૂડિયાઓનો કરશે બહિષ્કાર!

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button