ગુજરાત Organ Donation માં અગ્રેસર, બે વર્ષમાં બ્રેઇનડેડ અંગદાતાઓ તરફથી કુલ 856 અંગો મળ્યા…

ગાંધીનગર : ગુજરાત અંગદાન ક્ષેત્રે સતત અગ્રેસર છે. જેમાં છેલ્લા બે વર્ષમાં બ્રેઇનડેડ અંગદાતાઓ તરફથી કુલ 856 અંગદાન(Organ Donation)મળ્યા છે. જેમા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 282 અંગો મળ્યા છે. આ અંગે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં અંગદાનથી મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેની ફાળવણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી અને ઓનલાઇન છે. જેના લીધે ગેરરિતીને કોઇ અવકાશ નથી. રાજ્યમાં ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિને વેગ આપવા સરકાર દ્વારા SOTTO (સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) ને પ્રચાર-પસાર માટે રૂપિયા 7 કરોડના ફંડની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં સૌપ્રથમ હાથનું ટ્રાન્સપ્લાન્ટ: સુરતમાં બ્રેઇનડેડ યુવકની કિડની અને ચક્ષુઓનું કરાયું દાન
35,008 લોકોએ NOTTOના વેબપોર્ટલ પર અંગદાનની પ્રતિજ્ઞા લીધી
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અંગદાન કરાવતી હોસ્પિટલને પ્રત્યેક કેસ દીઠ રૂપિયા 50,000 સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા અપાય છે. રાજ્યમાં 35,008 લોકોએ NOTTOના વેબપોર્ટલ પર અંગદાનની પ્રતિજ્ઞા લીધી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા વર્ષોમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રવૃતિને વેગ મળ્યો છે. જેના પરિણામે જ રાજ્યમાં ગત્ બે વર્ષમાં સરકારી અને ખાનગી મળીને કુલ 856 જેટલા અંગો મળ્યાં. જેમાં 464 કિડની, 235 લીવર, 65 હ્રદય, 68 ફેફસા, 03 સ્વાદુપિંડ, 8 નાના આંતરડા, અને 13 હાથોનું દાન મળ્યું.
સિવિલ હોસ્પિટલમાં પણ બે વર્ષમાં કુલ 282 અંગોનું દાન
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ બે વર્ષમાં કુલ 282 અંગોનું દાન મળ્યું છે. રાજ્યમાં અંગદાનની પ્રવૃતિને વેગ આપવા હાથ ધરાયેલ કામગીરી અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રચાર – પસારના હેતુથી ફંડ સ્વરૂપ રૂ.7 કરોડની SOTTO (સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન)ને જોગવાઈ કરાઇ છે.
અંગોની ફાળવણી અંગે પણ વ્યવસ્થા
જો પ્રાઈવેટ રીટ્રીવલ હોસ્પિટલમાં અંગદાતા હોય તો તેમના અંગોની ફાળવણી 1, 3 અને 5 ક્રમાંક ઉપર પ્રાઈવેટ હોસ્પિટલોને કરવામાં આવે છે. 2 અને 4 નંબરના અંગોની ફાળવણી સરકારી હોસ્પિટલોને કરવામાં આવે છે. જો સરકારી હોસ્પિટલમાં અંગદાતા હોય તો તેમના અંગોની ફાળવણી 1, 3 અને 5 ક્રમાંક ઉપર સરકારી હોસ્પિટલોને કરવામાં આવે છે. 2 અને 4 નંબરના અંગોની ફાળવણી પ્રાઈવેટ હોસ્પિટલોને કરાય છે.
જો મેડીસીટી કેમ્પસમાં આવેલ હોસ્પિટલમાં અંગદાતા પ્રાપ્ત હોય તો તેના અંગોની ફાળવણી મેડીસીટી કેમ્પસમાં આવેલ હોસ્પિટલોને કરવામાં આવે છે.જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કરતી હોસ્પિટલો જેમને સ્ટેટ એપ્રોપ્રિએટ ઓથોરાઈઝેશન કમિટિ દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોય તેવી હોસ્પિટલોને SOTTO-ગુજરાત અને NOTTO દિલ્હી દ્વારા લોગીન આઇ.ડી. અને પાસવર્ડ આપવામાં આવે છે.
આ પણ વાંચો : અંગદાનમાં અગ્રેસર ગુજરાત: “ભારતીય અંગદાન દિવસે” ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને છ એવોર્ડ
મેરીટ પ્રમાણે અંગ મળે તે મુજબ અંગ પ્રત્યારોપણ
જેમાં અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માંગતા દર્દીઓએ અંગદાનની વેઇટીંગ યાદીમાં નામ નોંધાવવા માટે ટ્રાન્સપ્લાન્ટ કરતી આ હોસ્પિટલો પૈકી કોઇ એકનો સંપર્ક કરી તેમની નોંધણી SOTTO-ગુજરાત અને NOTTO-ની વેબસાઇટ ઉપર ઓનલાઈન કરાવવાની હોય છે.રાજ્યમાં અંગદાન મેળવવા માંગતા દર્દીને તેના શારિરીક તકલીફના સ્કોરના આધારે મેરીટ પ્રમાણે જેમ જેમ અંગ મળે તે મુજબ અંગ પ્રત્યારોપણ કરવામાં આવતુ હોય છે.