આપણું ગુજરાત

દેશમાં એરંડાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો 81 ટકાથી વધુ ફાળો…

ગાંધીનગરઃ ગુજરાત સમગ્ર વિશ્વમાં વૈશ્વિક એરંડા ઉત્પાદન હબ તરીકેની પોતાની ઓળખને વધુ મજબૂત બનાવી છે. એરંડાના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત માત્ર દેશમાં જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૬.૪૬ લાખ હેક્ટર વિસ્તારમાં એરંડાના વાવેતર સાથે ગુજરાતે સતત ચાર દાયકાથી દેશમાં પ્રથમ રહેવાના અનુક્રમને આ વર્ષે પણ જાળવી રાખ્યો છે. ભારતના કુલ એરંડા ઉત્પાદનમાં ૮૧.૪૨ ટકાના ફાળા સાથે ગુજરાત દેશનું સૌથી મોટું એરંડા ઉત્પાદક રાજ્ય છે. એટલા માટે જ, ગુજરાતના એરંડા અને એરંડિયા તેલની (દિવેલની) વિશ્વસનીયતા અને ઉચ્ચ ગુણવત્તા આજે પણ વૈશ્વિક બજારમાં અકબંધ છે.

એરંડાના ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત અવ્વલ
વર્ષ ૨૦૦૩માં રાજ્યનો એરંડા પાકનો કુલ વાવેતર વિસ્તાર માત્ર ૨.૯૦ લાખ હેક્ટર હતો, જે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને બમણો એટલે કે, ૬.૪૬ લાખ હેકટર થયો છે. માત્ર વાવેતર વિસ્તાર જ નહિ, એરંડાના ઉત્પાદન અને ઉત્પાદકતામાં પણ ગુજરાતે સતત વધારો કર્યો છે. વર્ષ ૨૦૦૩માં રાજ્યનું એરંડા ઉત્પાદન ૫.૪૧ લાખ મેટ્રિક ટન હતું, જે વર્ષ ૨૦૨૪માં આશરે ત્રણ ગણા વધારા સાથે ૧૫.૯૫ લાખ મેટ્રિક ટન થયું છે. તેવી જ રીતે, એરંડાની ઉત્પાદકતા પણ વર્ષ ૨૦૦૩માં ૧,૮૬૪ કિલોગ્રામ પ્રતિ હેક્ટર હતી, જે વધીને વર્ષ ૨૦૨૪માં ૨,૨૦૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર થઇ છે.

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે શું કહ્યું
આ સંદર્ભે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત એરંડાના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં દાયકાઓથી પ્રથમ રહેવાનું મુખ્ય કારણ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો અને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓ છે. એરંડાના ઉત્પાદન અને આવકમાં વધારો મેળવવા માટે રાજ્યના મોટાભાગના એરંડા પકવતા ખેડૂતો ઉચ્ચ ગુણવત્તા ધરાવતી એરંડાની સુધારેલી અને હાઈબ્રીડ જાતોનું વાવેતર કરી રહ્યા છે. ગુજરાતના મહેસાણા જિલ્લાનો કડી વિસ્તાર સમગ્ર વિશ્વમાં એરંડાની સૌથી વધુ ઉત્પાદકતા ધરાવતો વિસ્તાર છે. આ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ખેડા, વડોદરા, રાજકોટ, જામનગર અને ગાંધીનગર જિલ્લામાં એરંડાનું પુષ્કળ વાવેતર થાય છે.

એરંડાના મહત્ત્વપૂર્ણ ઉપયોગ
ભારતીય જાતનાં એરંડામાં તેલનું પ્રમાણ ૪૮ ટકા હોય છે. આ ૪૮ ટકામાંથી લગભગ ૪૨ ટકા તેલ કાઢવામાં આવે છે. જ્યારે, બાકીનો ૬ ટકા ભાગ ખોળમાં રહી જાય છે. આ તેલમાં રિસિનોલેઇન નામના ટ્રાઇગ્લિસરાઇડ્સ ભરપૂર હોય છે. એટલા માટે જ, એરંડાના તેલનો ઉપયોગ કાચા માલ તરીકે પેઇન્ટ્સ, લુબ્રિકન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, કોસ્મેટિક્સ, કાગળ, રબર, ખાદ્ય ઉમેરણો જેવા વિવિધ ઉદ્યોગોમાં વ્યાપક પણે વધી રહ્યો છે. આ ઉપરાંત એરંડાના તેલનો ઉપયોગ હાઇ-સ્પીડ એન્જિન અને વિમાનોમાં લુબ્રિકન્ટ તરીકે, બાયો ડીઝલમાં, પશુ ચિકિત્સામાં અને ઔષધીય કામોમાં પણ વધ્યો છે.

એરંડામાંથી તેલ કાઢ્યા બાદ બચેલા એરંડાના ખોળનો ઉપયોગ કૃષિમાં કાર્બનિક ખાતર તરીકે થાય છે. ભારત સહિત પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં ઘઉં, ચોખા અને કઠોળ જેવા ખાદ્યાન્નને સડતા અટકાવવા માટે તેને એરંડાના તેલ લગાવીને સાચવવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત આજે વૈશ્વિક માંગના ૯૦ ટકા જેટલા એરંડાનું ઉત્પાદન કરી રહ્યો છે. ભારતના કુલ એરંડા ઉત્પાદનમાં ૮૧ ટકા ફાળા સાથે ગુજરાત મુખ્ય ઉત્પાદક રાજ્ય બન્યું છે. વર્ષ ૧૯૬૦માં સમગ્ર વિશ્વનું એરંડા ઉત્પાદન ૫.૮ લાખ મેટ્રિક ટન હતું, જેમાં ભારતનો ફાળો ૧.૦૯ લાખ મેટ્રિક ટન હતો. જ્યારે, વર્ષ ૨૦૨૦માં વૈશ્વિક એરંડા ઉત્પાદન ૨૦.૫ લાખ મેટ્રિક ટન નોંધાયું હતું, જેમાં ભારતનો ફાળો ૧૮.૪૨ લાખ મેટ્રિક ટન રહ્યો હતો.

આપણ વાંચો : કેસર કેરીની સત્તાવાર સીઝનની થઈ શરૂઆત, જાણો બોક્સનો કેટલો બોલાયો ભાવ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button