કચ્છમાં તસ્કરોએ બન્યા બેફામ: ત્રણ સ્થળોએ સામૂહિક ઘરફોડ કરી 10.80 લાખની ચોરી…
ભુજ: કચ્છને બાનમાં લેનારી તસ્કર ટોળકીનો આતંક બરકરાર રહેવા પામ્યો હોય તેમ વીતેલા બે દિવસમાં માંડવી, ભુજ અને ભચાઉમાં સામૂહિક ઘરફોડના બનાવો બનતાં રહેવાસીઓ ભયભીત બન્યા છે. પૂર્વ તરફના ભચાઉ શહેરની પાર્શ્વવસીટી નામના રહેણાંક વિસ્તારોમાં ત્રાટકેલાં તસ્કરોએ એકસાથે ચાર બંધ પડેલા મકાનોમાં સામૂહિક ચોરી કરતાં ચકચાર મચી ગયો છે.
આ પણ વાંચો : ભુજમાં નડતરરૂપ દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર
અહીં રહેતાં અને આરતી ઇન્દૂસ્ટ્રીઝમાં કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરનારા પ્રશાંત ગોયેલ 13મી સપ્ટેમ્બરના રોજ ઘરને તાળું મારીને તે પત્ની સાથે અમદાવાદ એરપોર્ટથી ઈન્ડોનેશિયા ફરવા ગયા હતા. ગત સવારે છ વાગ્યે ટ્રેન મારફતે ઘેર પરત ફર્યાં ત્યારે ઘરના પ્રવેશદ્વાર ખૂલ્લાં જોવા મળ્યાં હતાં. તસ્કરો તેમના ઘરમાંથી 2.35 લાખના મૂલ્યનો સોનાનો ડાયમંડવાળો નેકલેસ, 1.20 લાખનું સોનાનું ડાયમંડ બ્રેસલેટ, 90 હજાર રૂપિયા રોકડાં અને 60 હજારના અન્ય ચાંદીના નાનાં મોટાં દરદાગીના મળી 5.35 લાખની માલમતા ચોરી ગયાં હોવાનું બહાર આવ્યું છે.
પ્રશાંતના ઘરની પાછલી લાઈનમાં રહેતા તરુણ ગર્ગ નામના ગૃહસ્થના મકાનમાંથી અઢી હજાર રોકડાં તથા ચાંદીના સિક્કા, કેમેરા, કાંડા ઘડિયાળ વગેરે મળી ૧૫ હજાર ૫૦૦ના મૂલ્યની માલમતા ચોરાઈ હતી, જયારે નજીકમાં રહેતા મનીષ બંસલના ઘરમાંથી તસ્કરો અઢી હજાર રોકડાં રૂપિયાની ઉઠાંતરી કરી ગયાં હતા. આ ઉપરાંત અન્ય એક ઘરમાં પણ ચોરી થઈ છે જેની વિગતો સાંપડી નથી. આમ, તસ્કરોએ એક જ રાતમાં કુલ ૫ લાખ ૫૩ હજારની માલમતા ચોરી લીધી છે.
દરમ્યાન, તકરોએ કચ્છ પર કરેલી સર્જીકલ સ્ટ્રાઇક વચ્ચે મુખ્ય મથક ભુજ શહેરના એરપોર્ટ રોડ પર આવેલી મથુરા ગ્રીન્સ સોસાયટીમાં ગત રાત્રે ત્રાટકેલાં તસ્કરોએ બંધ મકાનમાંથી ૩ લાખ ૧૧ હજારની માલમતાની ચોરી કરી ગયા હતા.
ઢોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા મીતેશ દિનેશ મોતાએ માનકૂવા પોલીસ સમક્ષ જણાવ્યું કે, વડિલોનું શ્રાધ્ધ કરવાનું હોઈ ગત રવિવારે બપોરે ઘરને તાળું મારીને તેમની પત્ની સાથે ભુજ આવ્યા હતા અને મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યે ઘેર પહોંચ્યા ત્યારે તસ્કરો ઘરમાં ચોરી કરી ગયાં હોવાનું માલૂમ પડ્યું હતું.તસ્કરો ઘરમાંથી 6 હજાર રોકડાં અને સોના ચાંદીના ઘરેણાં મળીને 3 લાખ 1100 રૂપિયાની માલમતા ચોરી ગયાં છે.
આ પણ વાંચો : કુદરતે વિનાશ વેર્યો તેને એક વર્ષ થયું, પણ સરકાર સામું નથી જોતીઃ ખેડૂતો રોષે ભરાયા
આ ઉપરાંત, બંદરીય માંડવીમાં ગત શુક્ર-શનિવારની રાત્રે ત્રાટકેલાં તસ્કરોએ નવાપરાના સલાટ ચોકમાં રહેતા અરવિંદ સલાટના બંધ મકાનમાંથી 1.69 લાખના મૂલ્યના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. 61 વર્ષિય ફરિયાદી 19 સપ્ટેમ્બરની રાત્રે 9 વાગ્યે ઘરને બંધ કરી પત્ની સાથે માંડવીના બાબાવાડીમાં રહેતી પુત્રીના ઘેર ગયા હતા. 21 સપ્ટેમ્બરની સાંજે 5.15 વાગ્યે ઘેર પરત ફર્યાં ત્યારે ચોરીની જાણ થઇ હતી.
એ જ રીતે, માંડવીના આશીર્વાદ નગરમાં રહેતા નગરપાલિકાના સુપરવાઈઝર કિશોર ધોરિયાના બંધ મકાનમાંથી તસ્કરો 50 હજાર રોકડાં અને દર દાગીના મળી 76 હજારના મૂલ્યની ચીજવસ્તુ ચોરી ગયાં છે. પત્ની બહારગામ ગઈ હોઈ 20 સપ્ટેમ્બરની રાત્રે ઘરને તાળું મારીને ફરિયાદી સસરાના ઘેર ગયો હતો અને ત્યાં જ રોકાઈ ગયો હતો. બીજા દિવસે સવારે ૯ વાગ્યે ઘરે પરત ફર્યો ત્યારે ચોરીની જાણ થઇ હોવાનું પોલીસે ઉમેર્યું હતું.