Gujarat માં ચોવીસ કલાકમાં 124 તાલુકામાં મેઘમહેર, વલસાડના ખેરગામમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)સતત વરસી રહેલા વરસાદ વચ્ચે છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે. વલસાડના ખેરગામમાં છેલ્લા 24 કલાકમાં નવ ઇંચ વરસાદ પડતાં જનજીવનને અસર થઈ છે. જયારે વલસાડ અને ધરમપુરમાં સવા સાત ઇંચ વરસાદ, ડાંગ અને કપરાડામાં સાડા પાંચ ઇંચ, ચીખલી, વાસદા અને વઘઈમાં છ -છ ઇંચ, પારડીમાં સાડા પાંચ ઇંચ, વાપીમાં 4-5 ઇંચ અને સુબીર અને ડોરવન પણ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે. રાજ્યમાં નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં નદીઓના પાણી ઘૂસી ગયા છે. જેને પગલે અનેક લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે.
વલસાડ અને નવસારીમાં શાળા કોલેજો બંધ
ભારેથી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આજે સોમવારના રોજ વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. જ્યારે વરસાદના પગલે નવસારી જિલ્લામાં ચીખલી, ગણદેવી, ખેરગામ તાલુકાના તમામ શાળા, આંગણવાડી, ITI અને કોલેજ આજે રોજ બંધ રહેશે. અન્ય તાલુકામાં રાબેતા મુજબ ચાલુ રહેશે.
ભરૂચ નર્મદા, સુરત, તાપી, નવસારી, વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ નર્મદા, સુરત, તાપી, નવસારી, કચ્છ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.