Kandla ની એગ્રોટેક કંપનીમાં દુર્ઘટના, ઝેરી ગેસથી ગૂંગળાઈ જતા પાંચ કામદારોના મોત…

કંડલા : ગુજરાતના કચ્છમાં કંડલા (Kandla)બંદર નજીક આવેલી એક એગ્રોટેક કંપનીમાં મંગળવારે રાત્રે સર્જાયેલી દુર્ઘટનામાં પાંચ કામદારોના મોત થયા છે. આ મૃતકોમાં સુપરવાઈઝર સહિત ટેન્ક ઓપરેટર અને ત્રણ હેલ્પરનો સમાવેશ થાય છે. જેમાં પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટના રાત્રે બાર વાગેની આસપાસ ઘટી હતી.
સુપરવાઈઝરને બચાવવા માટે ટેન્ક ઓપરેટરે પણ અંદર કૂદયો
આ દુર્ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ ઈમામી એગ્રોટેક કંપનીમાં ઉત્પાદનમાં એકત્ર થતો કચરો ટેન્કમાં એકત્ર થયો હતો. આ કચરો સાફ કરવા માટે સુપરવાઈઝર ટેન્ક ઉપર ચઢીને નીરિક્ષણ કરતો હતો. ત્યારે ટેન્કમાંથી ઉત્પન્ન થયેલાં ઝેરી ગેસના કારણે તે બેભાન થઈને તે ટેન્કની અંદર પડી ગયો હતો. જો કે તેની બાદ ટેન્કમાં પડેલા સુપરવાઈઝરને બચાવવા માટે ટેન્ક ઓપરેટરે પણ અંદર કૂદયો હતો.
પોલીસ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટર સહિતની ટીમો સ્થળ પર
જો કે આ બે લોકો ઝેરી ગેસના કારણે ગૂંગળાતાં હતા. તેમને જોઇ ત્રણ હેલ્પર તેમને બચાવવા ટેન્કમાં ઉતર્યા હતા. જ્યારે ઝેરી ગેસના લીધે પાંચ લોકોએ ગૂંગળાઈ જતા મોતને ભેટયા હતા. આ દુર્ઘટના અંગે પોલીસ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટર સહિતની ટીમો સ્થળ પર દોડી ગઈ છે. જ્યારે મૃત્યુ પામનારા કર્મચારીઓમાં સિદ્ધાર્થ તિવારી, અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકોરનો સમાવેશ થાય છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ તમામના મૃતદેહોને પીએમ માટે રામબાગ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.