ભવનાથ મહાશિવરાત્રી મેળા માટે એસ.ટી. વિભાગ 7800 થી વધુ ટ્રીપોનું સંચાલન કરાશે…

ગાંધીનગર : જૂનાગઢ ખાતે બુધવારથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાનો છે. આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે 2.91 લાખ મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો, જેને ધ્યાને રાખી આ વર્ષે ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે અંદાજે 195 જેટલી વધુ બસમાં 7800 થી વધુ ટ્રીપો દ્વારા 3.70 લાખ જેટલા મુસાફરોને સુવિધા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
કુલ 195 વધારાની બસો દોડાવવામાં આવશે
મહાશિવરાત્રી મેળાને ‘મિનિ કુંભ મેળા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને ઐતિહાસિક બનવાનો છે ત્યારે લાખઓની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથના દર્શનાર્થે આવશે. શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા માટે કુલ 195 વધારાની બસો દોડાવવામાં આવશે. જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી જવા માટે દૈનિક 80 વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે.
આ પણ વાંચો…મહાશિવરાત્રી મેળો 2026: 140 વોટર પોઈન્ટ્સ અને 20થી વધુ પાર્કિંગની સુવિધા- પાણી-છાશના પરબોની હેલી!
કુલ 115 એક્સપ્રેસ બસો દોડાવવામાં આવશે
આંતર-જિલ્લા સુવિધા માટે આસપાસના જિલ્લાઓમાંથી આવતા ભક્તો માટે જૂનાગઢ ડિવિઝનની 65 અને અન્ય ડિવિઝનની 50 મળીને કુલ 115 એક્સપ્રેસ બસો દોડાવવામાં આવશે. મુસાફરોની સુરક્ષા અને સમયપાલન માટે મેળા દરમિયાન તમામ બસોનું જીપીએસ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે. એસ.ટી. નિગમ દ્વારા કરવામાં આવેલ આ સુદ્રઢ આયોજનને કારણે શિવભક્તો કોઈપણ અડચણ વગર મહાદેવના દર્શન કરી ભવનાથ મહાશિવરાત્રી મેળાનો આનંદ માણી શકશે.
આ પણ વાંચો…જૂનાગઢમાં ગુંજશે હર હર મહાદેવ: આવતીકાલથી મિની કુંભ સમા મહાશિવરાત્રિના મેળાનો મંગલ પ્રારંભ
મેળાનો પ્રારંભ 11મીની સવારે ભવનાથ મહાદેવના મંદિરે ધજારોહણ સાથે થશે
આ મેળાનો પ્રારંભ 11મીની સવારે ભવનાથ મહાદેવના મંદિરે પરંપરાગત ધજારોહણ સાથે થશે. આ જ દિવસે સાંજે સાત કલાકે ભવ્ય ડમરૂ યાત્રા, મહા આરતી અને ધર્મસભાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સાધુ-સંતોની સરળ એન્ટ્રી માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ સાથે જ મેળા દરમિયાન ભાવિકોની સુવિધા અને સુરક્ષા માટે વિવિધ વિભાગોના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભાવિકો કોઈપણ આપત્તિ, માહિતી અથવા સહાય નંબરો પર સંપર્ક કરી શકશે.



