ગુજરાતમાં અછતવાળા જિલ્લાઓમાં ખાતર મોકલવાનો નિર્ણયઃ જુવારના વાવેતરમાં ફટકો

ગાંધીનગરઃ રાજ્યના વિવિધ જિલ્લામાં ખાતરના વધતા ભાવ વચ્ચે અછત ઊભી થવાના અહેવાલ વચ્ચે હવે કેન્દ્રમાંથી આવેલા નવા જથ્થામાંથી ખાતર ખેડૂતોને મોકલાશે. અછતવાળા જિલ્લાઓમાં ખાતરને પ્રાથમિકતા આપવામાં આવશે. રોજ આઠથી 10,000 મેટ્રિક ટન જથ્થો કેન્દ્રમાંથી મળશે. ખાતર માટે તૈયાર કરેલા કંટ્રોલ રૂમ પર ખેડૂતો જાણકારી મેળવી શકશે. રાજ્યમાં ચાલુ વર્ષે 82.35 ટકા વિસ્તારમાં જ વાવેતર થયું છે. ગયા વર્ષે કુલ 73.72 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતુ.
ચાલુ વર્ષે માત્ર 5 હજાર હેક્ટર વિસ્તારમાં જુવારનું વાવેતર
ડાંગરનું 7.17 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જ્યારે બાજરીનું 1.53 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. રાજ્યમાં ચાલુ વર્ષે જુવારનું વાવેતર ઘટ્યું હતું. ગયા વર્ષે 15 હજાર હેક્ટરમાં જુવારનું વાવેતર થયું હતુ, ચાલુ વર્ષે માત્ર 5 હજાર હેક્ટર વિસ્તારમાં જુવારનું વાવેતર થયું છે. કઠોળનું કુલ વાવેતર 2.96 લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે, જ્યારે ગયા વર્ષે કઠોળનું 3.39 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું.
આ પણ વાંચો : ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં વરસાદ ખેંચાયો, આટલા લાખ હેકટર વાવેતર ઘટ્યું
20.35 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું
રાજ્યમાં મગફળીના વાવેતરમાં વધારો થયો હતો, આ વર્ષે 20.41 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. તેલીબિયાં પાકોના વાવેતરમાં આ વર્ષે વધારો થયો છે. ચાલુ વર્ષે 25.75 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. 20.35 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે, 2 લાખ હેક્ટર વિસ્તારમાં શાકભાજીનું વાવેતર થયું છે
આ પણ વાંચો : ગુજરાત સરકારનો મોટો નિર્ણય: તહેવારોમાં અંત્યોદય અને BPL પરિવારોને મળશે વધુ સાકર અને ખાદ્યતેલ
ખાતરની ક્યાંય સંગ્રહખોરી થાય નહીં તેના માટે સરકાર સાવધ
આ ઉપરાંત રાજ્યમાં જિલ્લાવાર અને તાલુકાવાર ફાળવવામાં આવતા ખાતરના જથ્થાની વિતરણ વ્યવસ્થાની રાજ્ય કક્ષાએથી કૃષિ પ્રધાન રાઘવજી પટેલ સહિતના રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. કૃષિ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ખાતરની રાજ્યમાં ક્યાંય સંગ્રહખોરી થાય નહીં, કાળા બજારી ન થાય, વધુ ભાવે વેચાણ ન થાય તેમ જ સપ્લાય પ્લાન મુજબ દરેક જિલ્લા-તાલુકાને પૂરતું ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.