Gujarat Traffic challan: ટ્રાફિક ચલણની રકમ બાબતે ગુજરાત ‘રૂ.100 કરોડ ક્લબ’માં સામેલ થયું
અમદાવાદ: વીતેલા વર્ષ 2023માં ગુજરાતમાં ટ્રાફિકના નિયમોના ઉલંઘનની ઘટનામાં વધારો જોવા મળ્યો હતો, જેના કારણે ટ્રાફિક ચલણની રકમમાં રાજ્યએ ‘રૂ. 100 કરોડની ક્લબ’માં પ્રવેશ કર્યો. અગાઉ 2021માં આ ટ્રાફિક ચલણની રકમ રૂ.98 કરોડ અને વર્ષ 2022માં ચલણની રકમ રૂ. 92 કરોડ નોંધાઈ હતી, જેની સરખામણીએ વર્ષ 2023માં રાજ્યના ટ્રાફિક પોલીસ વિભાગે રૂ. 139 કરોડના ચલણ જનરેટ કર્યા હતા.
ચલણની રકમ બાબતે રાજ્યએ એક વર્ષમાં 51%નો વધારો નોંધાવ્યો હતો. રાજ્ય રૂ.100 કરોડથી વધુના દંડ સાથે દેશમાં ત્રીજા સ્થાને રહ્યું હતું. તમિલનાડુમાં સૌથી વધુ રૂ. 269 કરોડ દંડ વસુલવામાં આવ્યો હતો, જ્યાં 99%નો વાર્ષિક વધારો નોંધાયો હતો અને ત્યાર બાદ પશ્ચિમ બંગાળમાં રૂ. 181 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો, જ્યાં 87% નો વાર્ષિક વધારો થયો હતો.
લોકસભામાં ગજાનન કીર્તિકરના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ આ આંકડા શેર કર્યા હતા. જવાબ મુજબ, ગુજરાત પોલીસે કુલ 15.99 લાખ ચલણ જનરેટ કર્યા હતા. રાજ્યની ટ્રાફિક પોલીસે રોજના 4,400 ચલણ જનરેટ કર્યા હતા અને રૂ. 38 લાખનો દંડ વસુલ કર્યો હતો. ચલણ દીઠ સરેરાશ દંડ 860 રૂપિયા હતો.
આ વર્ષનો 29 જાન્યુઆરી સુધી, ડેટા દર્શાવે છે કે, ગુજરાત પોલીસે રૂ. 10.5 કરોડના દંડ સાથે 1.28 લાખ ચલણ જનરેટ કર્યા છે. રાજ્યના પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં ટ્રાફિક દંડની સૌથી વધુ રકમ વસૂલવામાં આવી છે.