ગુજરાત જોડો અભિયાન: કેજરીવાલનો 2027 વિધાનસભા ચૂંટણી જીતવાનો દાવો
આપના ગુજરાત જોડો સદસ્યતા અભિયાનનો પ્રારંભ

અમદાવાદઃ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો હતો. ગુજરાત જોડો સદસ્યતા અભિયાનને આમ આદમી પાર્ટીના સંગઠનના વિસ્તરણની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે. આ અભિયાન 2027ની વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચના માટે મહત્ત્વનું માનવામાં આવે છે.
કાર્યક્રમમાં કેજરીવાલે વિસાવદર પેટા ચૂંટણીમાં મળેલી જીતને ઐતિહાસિક ગણાવી હતી. ભગવાન અને જનતાએ એક મોટો સંદેશ આપ્યો છે કે ગુજરાતમાં પરિવર્તન નક્કી છે તેમ કહ્યું હતું.
કેજરીવાલે કહ્યું, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સત્તામાં છે સમગ્ર તંત્ર અને દરેક સિસ્ટમ પર ભાજપની પકડ છે, ત્યાં આપણે પ્રચંડ બહુમતિથી જીત્યા, તો હું એ કુદરતનો ખેલ અને ઉપરવાળાની ઈચ્છા માનું છું. ગુજરાતમાં પહેલા 30 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું અને ત્યારબાદ છેલ્લા 30 વર્ષ ભાજપે શાસન કર્યું, હવે એ જ ચક્ર ફરી ચાલવાનું છે અને 30 વર્ષ બાદ હવે ભાજપે જવાનું છે. ભાજપે ઘણો ઘમંડ પાડી રાખ્યો છે, તો હવે એક ઈમાનદાર પાર્ટી સત્તામાં આવશે — આ નક્કી છે.
આ પણ વાંચો: આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં શિસ્ત સમિતિની નિમણૂક કરી, જાણો કોને કોને મળ્યું સ્થાન
આ ઉપરાંત તેમણે દાવો કર્યો કે ગામડાઓમાં કલાકો સુધી લાઈટ આવતી નથી, રોડ રસ્તા એટલા ખરાબ છે કે 100 કિમીનું અંતર કાપવામાં સાડા ત્રણ કલાક લાગે છે. રાજકોટ એરપોર્ટથી જૂનાગઢ 125 કિમી છે. મને અહીં પહોંચવામાં સાડા ત્રણ કલાક લાગ્યા હતા. રોડ રસ્તાની હાલત એવી હતી કે ગાડી 35 કિમીની સ્પીડથી ચાલતી હતી.