Rajkotમાં લોકમેળોને લઇને વિવાદ વકર્યો, રાઇડ્સ શરૂ થવાને લઇને અસમંજસ
રાજકોટ : સૌરાષ્ટ્રની સંસ્કૃતિ સમૂહ લોકમેળો તંત્ર માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. રાજકોટમાં (Rajkot) સરકારી ગાઇડ લાઇન પ્રમાણે મોટી રાઇડ વાળાને નિયમ પત્રક આવ્યા પછી જ લોટની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ મોડી રાત સુધી મોટી રાઇડ વાળાઓએ કોઈપણ પ્રકારના પ્રમાણપત્રો રજૂ કર્યા ન હતા. જેના પગલે કલેક્ટર પ્રભાવ જોશીએ નિયમો મુજબ રાઇડ્સને ચલાવવાની મંજૂરી આપી નથી.
લોકોની સુરક્ષાને લઈને એસઓપી બનાવી
જ્યારે બીજી તરફ શાસક પક્ષના અમુક નેતાઓ તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હોય તેવું લાગી રહ્યું છે. લોકમેળાના ઉદ્ઘાટનને હવે કલાકો જ બાકી રહી છે. તેવામાં યાંત્રિક રાઈડને લઈને શરૂ થયેલો વિવાદ અને ગૂંચવણ હજુ ચાલુ છે. ફાઉન્ડેશન અને સોઈલ રિપોર્ટ મામલે હજુ કોઇ સ્પષ્ટતા થઈ નથી. આ બધા વચ્ચે એક વિભાગ કે જેનો અભિપ્રાય અને પ્રમાણપત્ર મળે તો જ રાઈડ ચાલુ થઈ શકે તેમ છે. તે વિભાગમાં હજુ સુધી એકપણ મેળાની એક પણ રાઈડની મંજૂરી માટે અરજી જ કરી નથી. ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ મેળામાં લોકોની સુરક્ષાને લઈને એસઓપી બનાવી છે. જેમાં દરેક મોટી રાઈડમાં ફાઉન્ડેશન ફરજિયાત કરાયા છે.
રાઈડની મંજૂરી આપવાની જવાબદારી પોલીસની
બીજી તરફ મેળામાં એકસાથે તમામ રાઈડના પ્લોટ લઈ લેનાર ભાજપના આગેવાનો કહે છે કે, સોઈલ રિપોર્ટ પોઝિટિવ છે એટલે રાઈડમાં ફાઉન્ડેશનની જરૂર જ નથી. બીજી તરફ તંત્ર એમ કહે છે કે, તેમને રિપોર્ટ અપાયો નથી પણ એસઓપી મુજબ જ કામ થશે. રાઈડની મંજૂરી આપવાની જવાબદારી પોલીસની છે. એમ કહીને વહીવટી તંત્રએ પોલીસને પણ આમાં સામેલ કરી છે.
આખો મામલો હાલતો ગુજરાત હાઇકોર્ટમાં
સૌરાષ્ટ્રની ઉત્સવ પ્રિય જનતા અસમંજશમાં છે. આખો મામલો હાલ તો ગુજરાત હાઇકોર્ટમાં ગયો છે. આજે બપોરે આ નિર્ણય આવી જશે તેવું લાગી રહ્યું છે. જેમાં મેળો થશે પરંતુ મોટી રાઈડ કદાચ ન પણ ચાલુ થાય. પ્રાઇવેટ મેળામાં પણ નિયમો ફરજિયાત પણે પાળવાના હોય છે, આજે બપોરે તમામ મેળામાં મોટી રાઈડ ચાલુ થશે કે નહીં તેનો નિર્ણય આવશે.