Rajkot લોકમેળાનો એસઓપીનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો, કલેક્ટરે રાઇડ્સનું કામ અટકાવ્યું…

રાજકોટ : રાજકોટ(Rajkot)શહેરના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ હાઈકોર્ટના આકરા વલણના લીધે આ વખતે જન્માષ્ટમીના તહેવારોમાં ઠેરઠેર યોજાતા લોકમેળામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી રાજ્ય સરકારે મોટી યાંત્રિક રાઈડ્સ માટે એક SOP જાહેર કરી છે. ત્યારે આ SOPને લઈને તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ વહીવટી તંત્ર કોઈ બાંધછોડ ન કરવા ઇચ્છતા સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે. આ દરમિયાન આ SOP સંદર્ભે રાજકોટ લોકમેળામાં યાંત્રિક રાઈડ્સના સંચાલકો SOPમાં આંશિક રાહત આપવાની માંગ સાથે હાઈકોર્ટમાં પહોંચતા જિલ્લા કલેક્ટર પણ એકશનમાં આવી જ્યાં સુધી હાઈકોર્ટમાંથી સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી રાઈડ્સનું કામ અટકાવી દીધું છે.
રાજકોટમાં SOPનો વિરોધ
સૂત્રોના જાણવ્યા મુજબ રાજકોટના લોકમેળામાં સંચાલકો SOPનો વિરોધ કરી રહ્યા છે. રાજ્ય સરકારની SOP મુજબ કોઈપણ યાંત્રિક રાઈડ્સ શરૂ કરતાં પહેલાં તેના સ્ટ્રક્ચરને પાકું કરવાની સૂચના આપવામાં આવી છે. તેનું ફાઉન્ડેશન ભરી તેના પાયા મજબૂત કરવાના આદેશ કરાયા છે. જેના કારણે યાંત્રિક રાઈડ્સના સંચાલકો આ SOPનો વિરોધ કરી રહ્યા છે.
હરાજીમાં સંચાલકો ન જોડાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે લોકમેળા માટે યાંત્રિક પ્લોટની હરાજી કરવામાં આવતી હતી ત્યારે આ SOPના નિયમો હળવા કરવાની માંગ સાથે રાઈડ્સના સંચાલકો હરાજીમાં જોડાયા ન હતા. ત્રણેક વખતના પ્રયાસ બાદ તમામ પ્લોટ એક જ સંચાલક દ્વારા રૂ. 1.27 કરોડમાં ખરીદી લેવામાં આવ્યા હતા.