Jamanagarના જામજોધપુરમાં દુર્ઘટના, બે યુવાનોના ચેકડેમમાં ડૂબતાં મોત
જામજોધપુર : જામનગર(Jamanagar) જિલ્લામાં આવેલા જામજોધપુર તાલુકામાં ડુબી જવાની બે ઘટના બની છે. ગીંગણી તેમજ ખોડિયાર મંદિર પાછળ ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનના મોત નિપજયા છે. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહોને બહાર કાઢી પોલીસને હવાલે કર્યા હતા.
વહેતા પાણીમાં અકસ્માતે ડૂબી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું
જામજોધપુર તાલુકામાં ડૂબી જવાથી બે યુવાનના મોત નિપજયા છે. જેમાં પ્રથમ બનાવમાં મુળ બગોદરા જિલ્લાના બાસવાડા ગામના હાલ ગીંગણી ગામે ધીરૃ ફળદુના ડેલામાં રહેતો અને ખેતમજૂરી કામ કરતો રાજેશ ભૈરાભાઈ ડોડિયા (ઉ.વ. 19)નો યુવાન મજૂરીકામ પૂર્ણ કરીને વેણુ નદીના પુલ પાસે પાણીમાં ન્હાવા પડયો હતો. જેમાં વહેતા પાણીમાં અકસ્માતે ડૂબી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ મનોહર ભૈરાભાઈ ડોડિયાએ પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતે પગ લપસી જતાં નદીમાં પડી ગયો હતો
આ ઉપરાંત બીજા બનાવમાં મૂળ જૂનાગઢ જિલ્લાના હાલ જામજોધપુર નજીકના કોર્ટ બિલ્ડીંગ પાસે રહેતો કરણ નિમાવત બાવાજી (ઉ,વ, 19)નો યુવાન ખોડિયાર મંદિરની પાછળ આવેલા ચેકડેમમાં કપડાં ધોતી વખતે અકસ્માતે પગ લપસી જતાં નદીમાં પડી ગયો હતો. જેથી તેનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે જેરામભાઈ દામોદરભાઈ નિમાવતએ પોલીસને જાણ કરતાં મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.