ઉનાળાની શરૂઆત પહેલા જ રાજ્યના કેટલાક જળાશયો ખાલીખમ, જાણો ક્યાં કેટલું પાણી?
ગાંધીનગર: ઉનાળો તો હજુ માંડ આંગણે આવીને ઊભો છે ત્યાં રાજ્યમાં પાણીની અછતના ભણકારા વાગવા લાગ્યા છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ રાજ્યભરમાં બપોરે ભારે ગરમીનો અનુભવ જોવા મળી રહ્યો છે. (Gujarat’s reservoirs status 2024) તેવામાં મિડયા રિપોર્ટ્સ પ્રમાણે રાજ્યના મોટાભાગના જળાશયોની સપાટી ધીમે ધીમે ઘટી રહી છે. જેને લઈને આગામી સમયમાં જળસંકટ ઊભું થવાનું શક્યતાઓ વધી જાય છે.
હાલમાં રાજ્યમાં પાંચ જળાશયો ખાલી છે, જ્યારે 36 જળાશયોમાં 10 ટકાથી ઓછો પાણીનો સંગ્રહ છે. સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમમાં પણ હાલમાં માત્ર 66.75 ટકા જ પાણીનો સંગ્રહ છે. હાલમાં રાજ્યના 138 જળાશયોમાં પાણીનું સ્તર 50 ટકાથી ઓછું છે, જે આગામી દિવસોમાં ખાસ કરીને ઉનાળામાં ચિંતાજનક સ્થિતિ સર્જી શકે છે.
જ્યારે બે દિવસ અગાઉ મળેલી રાજકોટ મનપાની સામાન્ય સભામાં મ્યુ. કમિશનર આનંદ પટેલે સમગ્ર ઉનાળુ પાણીના આયોજનની ચર્ચા કરતાં ડેમની જળસપાટી, શહેરની પાણીની જરૂરિયાત અને પાણીના સ્ત્રોતો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે એવી બાંહેધરી પણ આપી હતી કે જો પાણીની તંગી હશે તો અમે રાજ્ય સરકાર પાસેથી SAU યોજના દ્વારા પાણી લઈશું, પરંતુ ટેકનિકલ કારણો સિવાય લોકો પર પાણી કાપ લાદીશું નહીં.
આપને જણાવી દઈએ કે, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 68.96 ટકા, કચ્છના 20 જળાશયોમાં 38.31 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 43.77 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 68.05 ટકા, જ્યારે 141 જળાશયોમાં 38.31 ટકા પાણી છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરનું જળસ્તર હાલમાં 66.75 ટકા છે. આવી સ્થિતિમાં રાજ્યના 207 જળાશયોમાં સરેરાશ પાણીની સપાટી 62.38 ટકા છે.
7 માર્ચ સુધીમાં, 90 ટકાથી વધુ પાણીની સપાટી ધરાવતા માત્ર 2 જળાશયો બાકી છે, જેમાં રાજકોટના આજી-2 અને સુરેન્દ્રનગરના વાંસલનો સમાવેશ થાય છે. એવા 8 જળાશયો છે જ્યાં પાણીનું સ્તર 80 ટકાથી 90 ટકાની વચ્ચે છે. આ જળાશયોમાં મોરબીમાં મચ્છુ-3, કચ્છમાં કાલાઘોઘા, જૂનાગઢમાં હિરણ, મહીસાગરમાં વણકબોરી સાબરકાંઠામાં જવાનપુરા, દાહોદમાં હડફ, સુરતમાં લખીગામનો સમાવેશ થાય છે. 8 જળાશયોમાં પાણીની સપાટી 70 ટકાથી 80 ટકા વચ્ચે છે.
ઉનાળાની શરૂઆત પહેલા જ રાજ્યના કેટલાક જળાશયો ખાલીખમ થઇ ગયા છે. દેવભૂમિ દ્વારકાના ગડકી-સાની, પોરબંદરના અડવાણા-અમીપુર અને જૂનાગઢના પ્રેમપરામાં પાણીની સપાટી શૂન્ય ટકાએ પહોંચી છે. રાજ્યના કુલ 36 જળાશયોની જળસપાટી 10 ટકાથી ઓછી છે. નીચા પાણીની સપાટી ધરાવતા મોટાભાગના જળાશયો સૌરાષ્ટ્રમાં છે. 68 એવા જળાશયો છે જ્યાં પાણીનું સ્તર 20 ટકાથી વધુ નીચે ગયું છે.