ગુજરાતમાં 'સ્વતંત્રતા સપ્તાહ'ની ભવ્ય ઉજવણી: તિરંગા યાત્રામાં 26 લાખથી વધુ લોકો જોડાયા, 50 લાખ તિરંગાનું વિતરણ | મુંબઈ સમાચાર

ગુજરાતમાં ‘સ્વતંત્રતા સપ્તાહ’ની ભવ્ય ઉજવણી: તિરંગા યાત્રામાં 26 લાખથી વધુ લોકો જોડાયા, 50 લાખ તિરંગાનું વિતરણ

૧.૨૦ લાખથી વધુ શાળા, કોલેજના 22 લાખથી વધુ વિદ્યાર્થી તિરંગા યાત્રામાં જોડાયા

અમદાવાદઃ રાજ્યમાં રાષ્ટ્રધ્વજના સન્માનમાં આઠથી પંદરમી ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ‘સ્વતંત્રતા સપ્તાહ’ ઉજવવામાં આવી રહ્યું છે. રાજ્યના નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ, સ્વચ્છતા તેમ જ દેશ પ્રત્યે વધુ રાષ્ટ્ર ભાવના આવે તે માટે ‘રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત આઠથી ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં તિરંગા સાથે સેલ્ફી કાર્યક્રમમાં ૫.૪૫ લાખથી વધુ નાગરિકો, સ્વચ્છતા ડ્રાઈવમાં ૫.૩૭ લાખથી વધુ તેમ જ તિરંગા યાત્રામાં ૧૬ લાખથી વધુ એમ કુલ મળીને ૨૬ લાખથી વધુ દેશભક્ત નાગરિકો જનભાગીદારીથી જોડાયા હતા.

ગુજરાતના ૩૩ જિલ્લામાં તિરંગાયાત્રાના આયોજનની સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો આયોજન પણ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત તા.૧૦ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ૬૦ હજારથી વધુ નાગરિકોની જનભાગીદારીથી તિરંગા યાત્રાનું સુરત ખાતે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં ‘હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની ૧.૨૦ લાખથી વધુ શાળા –કોલેજો મળીને ૨૨.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓએ દેશભક્તિને રજૂ કરતી ચિત્રકલા, રંગોળી, પત્રલેખન, ક્વીઝ, વેશભૂષા, મહેંદીની સ્પર્ધામાં જોડાયા હતા.

આ પણ વાંચો: સુરતમાં આવતીકાલે મુખ્ય પ્રધાનની હાજરીમાં તિરંગા યાત્રા યોજાશે, 100 ઈ-બાઈક પણ યાત્રામાં થશે સામેલ

આ ઉપરાંત વડોદરા ખાતે ૧૧મી ઓગસ્ટના ૨૫ હજાર નાગરિકો ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રામાં જોડાઈને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. રાજ્યભરમાં તિરંગા યાત્રાને વધુ સફળ બનાવવાં માટે અંદાજિત ૫૦ લાખથી વધુ તિરંગાનું યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા વિનામૂલ્યે વિતરણ કરાવવામાં આવ્યું હતું.

યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ‘હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા’ની થીમ અંતર્ગત તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ભરૂચ, નર્મદા, અમદાવાદ, સુરેન્દ્રનગર, છોટા ઉદેપૂર, આણંદ, નવસારી, મહેસાણા, મોરબી, વડોદરા, અરવલ્લી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, દાહોદ, પોરબંદર, જામનગર, બનાસકાંઠા, પંચમહાલ, ડાંગ જિલ્લામાં તેમ જ તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સાબરકાંઠા, કચ્છ, પાટણ, આણંદ, મહેસાણા, વલસાડ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં તથા તા.૧૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર ખાતે શાળા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન: અમદાવાદ સહિત 4 મહાનગરમાં યોજાશે 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા

આ ઉપરાંત ૧૨મી ઓગસ્ટના ભરૂચ, રાજકોટ, પાટણ, ગાંધીનગર અને ડાંગ જિલ્લામાં ૧૩મીના બોટાદ, નવસારી, મોરબી, રાજકોટ જિલ્લામાં તેમજ તા. ૧૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ભરૂચ, રાજકોટ, જામનગર ગાંધીનગર જિલ્લામાં શાળા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ ‘સ્વચ્છતા અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સિવાય તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરપાલિકાઓ ખાતે શાળા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ ‘ધ્વજ વંદન’ના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button