PM Modi અને જર્મન ચાન્સેલર વચ્ચે આવતીકાલે ગાંધીનગરમાં યોજાશે ઐતિહાસિક બેઠક: સંરક્ષણ અને વેપાર પર રહેશે નજર…

ભારત અને જર્મની વચ્ચે 5 અબજ યુરોનો સબમરીન સોદો અને ગ્રીન હાઇડ્રોજન રોડમેપ પર મહત્વની ચર્ચાની શક્યતા…
ગાંધીનગર : વૈશ્વિક અનિશ્ચચતાઓ વચ્ચે ભારત અને જર્મની વચ્ચે મજબૂત ભાગીદારીના સંકેત મળી રહ્યા છે. પીએમ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન સોમવારે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ વચ્ચે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મહત્વની બેઠક યોજાશે. જેમાં બંને દેશો વચ્ચે વ્યાપારિક સબંધો સહિતના અનેક મુદ્દે વાટાઘાટો કરશે. જેમાં વેપાર, રોકાણ, સંરક્ષણ, મહત્વપૂર્ણ ટેકનોલોજી અને વૈશ્વિક સુરક્ષા પડકારો પર પણ ચર્ચા કરવામાં આવશે.
ફ્રેડરિક મેર્ઝની ભારત અને એશિયાની પ્રથમ મુલાકાત
જર્મન ચાન્સેલર બન્યા પછી ફ્રેડરિક મેર્ઝની ભારત અને એશિયાની પ્રથમ મુલાકાત છે. આ મુલાકાત એવા સમયે થઇ રહી છે જ્યારે વૈશ્વિક સ્તરે તણાવ વધી રહ્યો છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવા માટે અમેરિકાનું લશ્કરી આક્રમણ, યુક્રેન યુદ્ધ અને શક્તિના વૈશ્વિક સંતુલનમાં પરિવર્તન જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે.

ભારત યુરોપ સાથે તેની આર્થિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા કાર્યરત
સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી અને મેર્ઝ યુક્રેનમાં શાંતિની સંભાવનાઓ પર પણ ચર્ચા કરી શકે છે. રાજદ્વારી ઉકેલો અને સંવાદ માટે ભારતની સતત હિમાયતને ધ્યાનમાં રાખીને આ મુદ્દો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠક વેપાર અને રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અમેરિકા દ્વારા ભારતીય પ્રોડક્ટ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યા બાદ ભારત યુરોપ સાથે તેની આર્થિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માંગે છે. આ સંદર્ભમાં, જર્મની સાથે આર્થિક સહયોગ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
યુરોપિયન યુનિયનમાં જર્મની ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર
યુરોપિયન યુનિયનમાં જર્મની ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. ભારત અને જર્મની વચ્ચે પ્રોડક્ટ અને સેવાઓનો દ્વિપક્ષીય વેપાર 2024-25માં 51.23 બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. આ ભારતના કુલ EU વેપારના આશરે 25 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમજ સેવા ક્ષેત્રમાં પણ ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. ભારત-જર્મની વચ્ચે સેવા વેપાર 2024-25ના નાણાકીય વર્ષમાં 12.5 ટકા વધીને 16.65 બિલિયન ડોલરનો રેકોર્ડ થયો છે.
ભારતમાં રોકાણ કરતો જર્મની નવમો સૌથી મોટો વિદેશી રોકાણકાર દેશ
ભારતમાં રોકાણ કરતો જર્મની નવમો સૌથી મોટો વિદેશી રોકાણકાર દેશ છે. એપ્રિલ 2000 થી જૂન 2025 સુધીમાં, જર્મનીથી કુલ 15.40 બિલિયન ડોલર FDI ભારતમાં આવ્યું છે. હાલમાં, ભારતમાં 2,000 થી વધુ જર્મન કંપનીઓ કાર્યરત છે. આ ઉપરાંત સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પણ ચર્ચાનો એક મહત્વપૂર્ણ ભાગ રહેશે. નિકાસ નિયંત્રણ નિયમોમાં છૂટછાટ અને ઝડપી ક્લિયરન્સ પ્રક્રિયાઓને પગલે જર્મનીથી ભારતમાં સંરક્ષણ નિકાસમાં વધારો થયો છે.
ભારત અને જર્મની વચ્ચે છ સ્ટીલ્થ સબમરીન અંગે કરારની સંભાવના
આ દરમિયાન એવી અટકળો ચાલી રહી છે કે મેર્ઝની મુલાકાત દરમિયાન ભારત અને જર્મની વચ્ચે છ સ્ટીલ્થ સબમરીનના પુરવઠા માટે આંતર-સરકારી કરાર (G2G)થઈ શકે છે. જ્યારે જર્મન સંરક્ષણ કંપની થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ (TKMS)અને ભારતની માઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) સંરક્ષણ મંત્રાલય સાથે આ સોદાની કિંમત માટે વાટાઘાટો કરી રહી છે, જેનો અંદાજે 5 અબજ યુરોનો છે. તેને તાજેતરના વર્ષોમાં સૌથી મોટા “મેક ઇન ઇન્ડિયા” સંરક્ષણ પ્રોજેક્ટ્સમાંનો એક માનવામાં આવે છે.

ગ્રીન હાઇડ્રોજન અને ભવિષ્યની ટેકનોલોજીઓ પર ચર્ચા
આ ઉપરાંત બંને દેશોએ વર્ષ 2024 માં ઇન્ડો-જર્મન ગ્રીન હાઇડ્રોજન રોડમેપ શરૂ કર્યો હતો. જેનો ઉદ્દેશ્ય ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન, ઉપયોગ અને નિકાસ માટે ભારતની મહત્વાકાંક્ષાઓને ટેકો આપવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહત્વપૂર્ણ અને નવી ટેકનોલોજીઓમાં સહયોગ વધારવો એ પણ આ વાટાઘાટોનો મુખ્ય વિષય હશે.



