ગુજરાતમા કમલમમા ભાજપની મહત્વની બેઠક યોજાઈ, રાજકીય નવાજૂનીના એંધાણ

અમદાવાદઃ ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલ તથા અનુસૂચિત જાતિ મોરચાના લાલસિંહ આર્યાના નેતૃત્વ હેઠળ મહત્વની બેઠક મળી હતી. તેમની સાથે સાથે તમામ ધારાસભ્યો, સાંસદો સહિત કેટલાક જિલ્લા અને તાલુકાના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરના વિવિધ વિસ્તારોમાંથી ધારાસભ્યો અને પદાધિકારીઓ પાટનગર પહોંચી ગયા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજયેલી આ બેઠકથી રાજકીય માહોલ ગરમાયો હતો. આ મિટિંગથી પાટીલના ઉત્તરાધિકારી કોણ બનશે તેની ચર્ચાઓને વેગ મળ્યો હતો.
બેઠકનો વિષય ડોક્ટર ભીમરામ આંબેડકર સન્માન અભિયાન રાખવામાં આવ્યો હતો, પરંતુ સૌ જાણે છે એમ છેલ્લા કેટલાક સમયથી મંત્રીમંડળના વિસ્તરણ અને પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતની અટકળો ચાલી રહી છે, એટલે એ મુદ્દે પણ આ બેઠકમાં વાતચીત થઈ હોય એવું સંભવ છે આ બેઠકમાં કેટલાક ધારાસભ્યો ગેરહાજર પણ હતા.
આ પણ વાંચો: ગાંધીનગરના કમલમ ખાતે આજથી ભાજપના વિવિધ મોરચાની બેઠક શરૂ
અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી અટવાયેલી નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ થઇ જાય એવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. હાલ સૌરાષ્ટ્રના કોઇ નેતાને પ્રદેશ પ્રમુખની કમાન સોપવામાં આવે એવી સંભાવનાઓ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે સિટિંગ સાંસદ કે ધારાસભ્ય પૈકી કોઇ નેતાને પસંદ કરવામાં આવે છે, જોકે ગુજરાતમાં આ શિરસ્તો પાળવો જ એવું જરૂરી નથી, તેથી પાર્ટી હાઇકમાન્ડ આશ્ચર્ય સર્જી શકે છે. પ્રદેશ પ્રમુખ પદ માટે આટલાં નામો ચર્ચામાં જે તેમાં મયંક નાયક, જગદીશ વિશ્વકર્મા, વિજય રૂપાણી, અર્જુનસિંહ ચૌહાણ, કિરીટસિંહ રાણા, ઉદય કાનગડનો સમાવેશ થાય છે.