ગુજરાત સરકારે હોમગાર્ડ્સ જવાનોની નિવૃત્તિ વયમર્યાદા ૫૫થી વધારી ૫૮ વર્ષ કરી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા હોમગાર્ડ્સના જવાનોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ તેમની સેવા નિવૃત્તિની વયમર્યાદામાં વધારો કર્યો હતો. હોમગાર્ડ્સ જવાનોની મહત્તમ વયમર્યાદા ૫૫ વર્ષથી વધારીને હવે ૫૮ વર્ષ કરવામાં આવી છે.
ગૃહ વિભાગ દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ નવા સુધારા અમલી બનતા હવે હોમગાર્ડ્સના જવાનો વધુ ત્રણ વર્ષ સુધી પોતાની સેવાઓ આપી શકશે. આ સુધારો ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬થી રાજ્યભરમાં અમલી બનશે.
રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ નિર્ણય અંગે અગાઉ માહિતી આપતા જણાવ્યું હતું કે, હોમગાર્ડ્સ દળ પોલીસની પૂરક શક્તિ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યું છે. ચૂંટણી સુરક્ષા, ટ્રાફિક નિયમન, રાત્રિ પેટ્રોલિંગ અને વીઆઈપી સુરક્ષા જેવી જવાબદારીઓ હોમગાર્ડ્સના જવાનો નિષ્ઠાપૂર્વક નિભાવે છે.
નિવૃત્તિ વયમાં ત્રણ વર્ષનો વધારો થવાથી જવાનોમાં રાષ્ટ્રસેવાની ભાવના વધશે અને તેઓ પોતાની કૌટુંબિક તેમજ સામાજિક જવાબદારીઓ વધુ સારી રીતે નિભાવી શકશે.



