ગુજરાતમાં પીએમ મોદીના જન્મ દિવસે સિદ્ધપુરમાં હીરાબા સરોવરનું લોકાર્પણ, પાણીનો સંગ્રહ થશે | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ગુજરાતમાં પીએમ મોદીના જન્મ દિવસે સિદ્ધપુરમાં હીરાબા સરોવરનું લોકાર્પણ, પાણીનો સંગ્રહ થશે

સિદ્ધપુર: ગુજરાતમાં પીએમ મોદીના જન્મ દિવસે સિદ્ધપુરમાં હીરાબા સરોવરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા હીરાબા સરોવરનું નિર્માણ થયું છે.
આ ઉપરાંત ધોળકિયા ફાઉન્ડેશનના ફુલીબા ટ્રસ્ટના સહયોગથી સરસ્વતી નદીના નવસર્જનની હાથ ધરાયેલી કામગીરીને પરિણામે માધુપાવડીયા ચેકડેમના નીચાણવાળા વિસ્તારોનું ધોવાણ અટકશે. જયારે 450 લાખ ઘનફૂટથી વધુ પાણીનો સંગ્રહ થવાથી આસપાસના 150 હેક્ટર વિસ્તારને સિંચાઈનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળતો થશે. આ ઉપરાંત આજુબાજુના 20થી વધુ રિચાર્જ વેલના ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે.

માતા હીરાબાનું નામ આ સરોવર જોડવામાં આવ્યું

તેમણે વડાપ્રધાનનું સંસ્કાર સિંચન કરનારા તેમના માતા હીરાબાનું નામ આ સરોવર સાથે જોડવાના પ્રસંગને પુત્રના જન્મદિવસે માતાનું શ્રેષ્ઠ ભાવ સ્મરણ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ઉમેર્યુ કે, વડાપ્રધાને પોતાના બાળપણમાં માતા હીરાબાને પાણી માટે સંઘર્ષ વેઠતા જોયા તેની વેદનામાંથી જ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર મુખ્યમંત્રી તરીકે તેમણે કર્યો હતો. અભાવમાં પણ અર્થપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય તેના જે સંસ્કાર માતા હીરાબાએ વડાપ્રધાનને આપ્યા છે તેના જ પરિણામે જીવનની હરેક પળ છેવાડાના માનવીના કલ્યાણ માટે ખપાવી દેવા વડાપ્રધાન સમર્પિત છે.

નરેન્દ્ર મોદીએ પીવા માટે પાણી પહોંચાડ્યું

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ પાણીને પારસમણિ અને વિકાસનો મુખ્ય આધાર બનાવીને સુદ્રઢ જળ વ્યવસ્થાપન માટે લોક ભાગીદારીથી બોરીબંધ, ચેકડેમ, નદીઓના નવસર્જન જેવા કામોથી રાજ્યના ખૂણે ખૂણે ખેતી માટે અને પીવા માટે પાણી પહોંચાડ્યું છે.

આ પણ વાંચો: PM Narendra Modi 75th Birthday: પીએમ મોદીજીના વિશે કેટલું જાણો છો? અહીં જાણી લો એક ક્લિક પર…

ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં હીરાબા સરોવરનું આ લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં સિદ્ધપુર અને આસપાસ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રને કરોડોના વિકાસકાર્યોની ભેટ: પીએમ મોદીએ દૂધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button