આપણું ગુજરાત

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદોઃ ભાડૂઆત ભાડા કરારની શરતોનો ભંગ કરે તો માલિક મિલકત ખાલી કરાવી શકે

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં ભાડૂઆત દ્વારા ભાડા કરારમાં થતી શરત ભંગ અંગે યોજાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો આપતાં કહ્યું હતું કે, જો ભાડૂઆતે ભાડા કરારની શરતોનો ભંગ કર્યો હોય તો માલિક મિલ્કત ખાલી કરાવી શકે છે. જસ્ટિસ સંજીવ ઠાકરે ચૂકાદામાં ઠરાવ્યું હતું કે, મિલકત માલિકની મંજૂરી કે પરવાનગી વિના ભાડુઆત જે હેતુ માટે મિલકત અપાઇ હતી તે હેતુ કે વેપાર બદલી શકે નહી. આ સંજોગોમાં ભાડા કરારની શરત ભંગ બદલ મિલકત ખાલી કરવા અંગેના ટ્રાયલ કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટે કાયમ રાખ્યો હતો.

આ પણ વાંચો: કમાણી ન હોય તો પણ પૂર્વ પત્નીને ભરણપોષણ આપવું પડશે, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

જો ભાડૂઆત શરતોનો ભંગ કરો તો મિલકત ખાલી કરવી પડેઃ હાઈકોર્ટ

મિલકત માલિક તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સિવિલ રિવીઝન અરજી દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ સંજીવ ઠાકરે અરજદાર મકાન માલિકની રિવીઝન અરજી ગ્રાહ્ય રાખી ટ્રાયલ કોર્ટના મિલકત ખાલી કરાવવા અંગેના હુકમને બહાલ રાખ્યો હતો અને એપેલેટ બેંચના હુકમને રદ બાતલ ઠરાવ્યો હતો. હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, ભાડા કરારની શરતોમાં સ્પષ્ટ હતું કે, મિલકતનો ઉપયોગ માત્ર ને માત્ર સાયકલ રીપેરીંગ વ્યવસાય માટે થવો જોઇએ અને અન્ય કોઇપણ હેતુ માટે કરી શકશે નહી.

ભાડૂઆતે બચાવ માટે આપ્યું આવું કારણ

કોર્ટ કમિશનરના રિપોર્ટ મુજબ મિલકતનો ઉપયોગ સીટ કવર, નંબર પલેટ, ઓટોમોબાઇલ એસેસરીઝના વ્યવસાય માટે થઇ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. ભાડૂઆત તરફથી બચાવ કરાયો હતો કે, શહેરના વ્યવસાયમાં અને સમાજ તથા વિકાસની સમગ્ર પરિસ્થિતિઓમાં ફેરફારના કારણે તેમના દ્વારા સાયકલ રીપેરીંગનો વ્યવસાય ચાલુ રાખી શકાયો ન હતો. કારણ કે, સાયકલનો ઉપયોગ ઘટતાં તેથી તેઓ બીજો વ્યવસાય કરવા મજબૂર બન્યા હતા.

ભાડૂઆતે તેની ઉલટ તપાસમાં ખુદ આ વાત સ્વીકારી

હાઇકોર્ટે આ દલીલોને ફગાવતાં જણાવ્યું હતું કે, ભાડૂઆત દ્વારા તેમની ઉલટ તપાસમાં ખુદ સ્વીકારવામાં આવ્યું છે કે, મિલકતના વિવાદીત સ્થળે તેઓએ પોતાનો ધંધો બદલવા માટે મિલકત માલિકની કોઇ પરવાનગી કે મંજૂરી લીધી ન હતી. મિલકત માલિકની પરવાનગી કે સંમંતિ વિના ભાડૂઆત તેમને જે હેતુ માટે મિલકત આપવામાં આવી હતી, તે હેતુ સિવાય અન્ય કોઇ કામ માટે મિલકતનો ઉપયોગ કરી શકે નહી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button