ગુજરાતમાં અનધિકૃત ધાર્મિક સ્થળો અંગે વિવાદ, હાઇકોર્ટ ગૃહ સચિવની એફિડેવિટ પર થઇ નારાજ
અમદાવાદ: ગુજરાતમાં સાર્વજનિક જગ્યાઓ પર અનધિકૃત પૂજાસ્થળોના દબાણ અંગે હાલ વિવાદ ચાલી રહ્યો છે. હાઇકોર્ટમાં આજે કેસની સુનાવણી યોજાઇ હતી. ગૃહ વિભાગના સચિવે દાખલ કરેલા સોગંદનામા વિશે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે થયેલી કાર્યવાહીમાં ફક્ત 23.33 ટકા સંરચના હટાવી લેવામાં આવી છે.
હાઇકોર્ટના ન્યાયાધીશે સુનાવણીમાં જણાવ્યું હતું કે હજુ પણ ઘણી જાહેર જગ્યાઓ પર અનધિકૃત રીતે ધાર્મિક સ્થળોનું દબાણ જોવા મળી રહ્યું છે. આ વિવાદમાં નીતિગત નિર્ણય લેવાયા બાદ પણ સરકારે આ વિશે કોઇ ખાસ પગલા લીધા નથી.
થોડા સમય પહેલા સરકારે એવો નિર્ણય લીધો હતો કે સાર્વજનિક જગ્યાઓ પર અનધિકૃત રીતે ઉભા કરવામાં આવેલા ધાર્મિક સ્થળોને જો સ્વૈચ્છિકપણે નહી હટાવવામાં આવે તો સરકાર જે કોઇપણ તેનો માલિક હોય તેને શોધીને તેના વિરુદ્ધ નોટિસ ફટકારવા સહિતની કામગીરી કરશે. રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં દાખલ થયેલા સોગંદનામામાં એવી માહિતી રજૂ કરવામાં આવી હતી કે રાજ્યમાં હાલની સ્થિતિમાં 13,900થી વધુ અનધિકૃત ધાર્મિક સ્થળોનું અસ્તિત્વ છે.
હાઇકોર્ટે ગૃહ સચિવને આદેશ આપ્યો છે કે રાજ્યમાં જેટલી પણ જગ્યાઓએ અનધિકૃત રીતે ધાર્મિક સ્થળો બનેલા છે તે વિશેનો એક વિગતવાર રિપોર્ટ 27 ફેબ્રુઆરી સુધી રજૂ કરે. 2006માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે તમામ રાજ્યોની સરકારોએ અનધિકૃત રીતે ધાર્મિક સ્થળોનું જ્યાં પણ દબાણ ઉભું કરવામાં આવ્યું હોય ત્યાં કાર્યવાહી કરવી જોઇએ.