‘પલ્પ ફિક્શન’ની યાદ અપાવતા કેસમાં ગુજરાત હાઈ કોર્ટે શું આપ્યો મોટો ચુકાદો? જાણો વિગત…

અમદાવાદ: હોલીવુડની કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘પલ્પ ફિક્શન’ના સોડોમી દ્રશ્યની યાદ અપાવતા એક કિસ્સામાં ગુજરાત હાઈ કોર્ટે ચાર આરોપીઓને દોષિત ઠેરવતા નીચલી અદાલતના ચુકાદાને જાળવી રાખ્યો હતો. આ ચાર વ્યક્તિઓ પર ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તા હોવાના સ્વાંગમાં લોકોને ખંડણી માટે અપહરણ, ત્રાસ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના આરોપ હતા.
2001ના બહુચર્ચિત આ કેસમાં પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં ત્રણ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે મુખ્ય આરોપી બિનેશ સથવારા ઓઢવના એક ઔદ્યોગિક શેડમાં મુખ્ય મથક ધરાવતી ‘એન્ટી-કરપ્શન મૂવમેન્ટ’ નામની રજિસ્ટર્ડ એનજીઓ ચલાવતો હતો.
સથવારા અને તેના ચાર સાથીદારો તેમની મદદ લેવા આવતા પીડિતોને જ નિશાન બનાવતા હતા. તેઓ પીડિતોને શેડમાં લલચાવીને લઈ જતા, જ્યાં તેમને નગ્ન કરીને, ત્રાસ આપીને, જાતીય સતામણી કરીને અને કઢંગી સ્થિતિમાં ફોટા પાડતા હતા. જે બાદ બ્લેકમેઇલ કરવામાં આવતા હતા. આ ફોટોગ્રાફ્સનો ઉપયોગ બાદમાં પીડિતો પાસેથી મોટી રકમ પડાવવા માટે થતો હતો.
સિટી સેશન્સ કોર્ટે 2003માં ત્રણ આરોપીઓ અનિલ દુબે, રાજીવ જોશી અને સથવારાને દોષિત ઠેરવ્યા હતા. તેમને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. એક અલગ ટ્રાયલમાં, ચોથા આરોપી રવીન્દ્ર કુશવાલને પણ તે જ ગુનાઓમાં દોષિત ઠેરવીને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. અન્ય એક આરોપી હજી પણ ફરાર છે.
ચાર દોષિતોએ તેમની સજાને ગુજરાત હાઈ કોર્ટમાં પડકારી હતી, જ્યારે રાજ્ય સરકારે કુશવાલની સજા વધારવાની માંગ કરી હતી. જો કે, હાઈકોર્ટે કડક સજા માટેની સરકારની અરજીને ફગાવી દીધી અને કુશવાલની સજા સાથે સમાનતા જાળવવા માટે દુબે, જોશી અને સથવારાની સજા સાત વર્ષથી ઘટાડીને પાંચ વર્ષ કરી હતી.
ન્યાયાધીશ આઈ. જે. વોરા અને ન્યાયાધીશ પી. એમ. રાવલની બેન્ચે કહ્યું કે, કોઈને દોષિત ઠેરવવા માટે વિશ્વાસપાત્ર અને ભરોસાપાત્ર સાક્ષીઓની જુબાની પૂરતી છે. કારણ કે, સાક્ષીઓની સંખ્યા ગણવાને બદલે તેમની વાતમાં કેટલું વજન છે તે જોવું જોઈએ. આ કેસમાં, આરોપીઓએ શું કર્યું તે અંગે સાક્ષીઓએ જે કહ્યું તે એકસરખું છે અને તેમના પુરાવા તપાસ્યા પછી અમને તેમની વાતમાં કોઈ ભૂલ કે ખોટું લાગ્યું નથી. હાઈ કોર્ટે દોષિતોને આઠ અઠવાડિયામાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો…ગુજરાત હાઈ કોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટીને ખખડાવી, કહ્યું- અમારી આંખે જોયું છે