ગુજરાત હાઈ કોર્ટે સરકારના ‘ભીંગડા ઉતરડી’ નાખ્યા: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સરકાર ‘શિયાં-વિયાં’
અમદાવાદઃ ભ્રષ્ટ સાશન અને મલાઇદાર વહીવટના કારણે રાજકોટમાં સર્જાયેલા ગેમઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષના જીવ જતાં રાજયભરમાં ફરીવાર હાહાકાર મચી ગયો. આવી અરેરાટીભરી ઘટના ગુજરાતને કોઠે પડી ગઈ હોય તેવો આભાસ થયા વગર રહેતો નથી ત્યારે, આજે રાજકોટની આ દુર્ઘટના પર ગુજરાત હાઇ કોર્ટેમાં ત્રીજીવાર સુનાવણી હતી. ગુજરાત હાઈ કોર્ટે સરકારની જાડી ચામડીની તપાસ સમિતિ અને એસઆઇટીની ચાલી રહેલી તપાસના રીતસર ‘ભીંગડા ઉતરડી’ નાખ્યા હતા. ગુજરાત હાઈ કોર્ટે તલસ્પર્શી અભ્યાસ બાદ કહ્યું કે, આવી ગોઝારી દુર્ઘટનાઓ બન્યા બાદ સરકાર પગલાં ભરે છે, ત્યાં સુધી સુષુપ્ત રહે છે. વડોદરાના હરણી બોટ કાંડ અને મોરબી ઓથોરિટીની બિન અસરકારકતાનું ઉત્તમ ઉદાહરણ છે. હરણીમાં કોન્ટ્રાક્ટ સાઇન કરનાર ઓફિસર કોઈ નાનું બાળક નહોતું. હાઈ કોર્ટે એમ પણ ઉમેર્યું કે રાજ્યના ઓફિસરોને કોઈનો ડર નથી. ઉલ્લેખનીય છે કે, 20 જૂને ગુજરાત સરકાર રચિત SIT ગુજરાત હાઇકોર્ટમાં પોતાનો અહેવાલ રજૂ કરશે
ગેમઝોન રાતો-રાત ઊભો નહોતો થયોઃ હાઇ કોર્ટ
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં ખુદ ગુજરાત હાઇકોર્ટે બીજા દિવસે રવિવાર હોવા છતાં સૂઓમોટો લઈને સુનાવણી હાથ ધરી હતી. આજે સરકારે આ કેસમાં પ્રગતિ રિપોર્ટ રજૂ કરવાનો હતો તે દરમિયાન ગુજરાત સરકારે કહ્યું કે, અમે 9 ઓફિસરને અરેસ્ટ કર્યા છે. જેને લઇને કોર્ટે કહ્યું હતું કે, તમે નાની માછલીઓ પકડી છે. ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં ગયેલા મોટા અધિકારીઓને પકડ્યા? . ગુજરાત હાઈ કોર્ટે એમ પણ કહ્યું કે, આમાં નાના અધિકારીઓએ પર જ કાર્યવાહી કરવામાં આવી છે.ગેમઝોનના ઉદ્ઘાટનમાં ગયેલા અધિકારીઓએ કયાઁ છે? હાઈ કોર્ટે એમ પણ કહ્યું કે, ‘જો તમે એક રૂમને પણ નિયમો વિરૂદ્ધ બાંધવા મંજૂરી આપશો તો આરોપીઓ તો આખું બિલ્ડિંગ બનાવશે. TRP ગેમ ઝોન રાતોરાત ઉભું નહોતું કરાયું. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ કેવી રીતે કામ કરે છે તે અર્બન હાઉસિંગ વિભાગના સેક્રેટરી તપાસ કરે’
રાજકોટના TRP ગેમ ઝોનના અગ્નિકાંડનાં અઢારમાં દિવસે ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રવણ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ત્રીજીવાર સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ મામલે હવે 4 જુલાઇએ સુનાવણી યોજાશે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, આ કેસમાં તપાસની દિશામાં નકકર પગલાં ભરાવા જોઈએ અને તેમાં 1. સત્ય શોધક તપાસ 2. શાળાઓની તપાસ 3. મહાનગર પાલિકાઓની કામગીરી જોવાની જરૂરિયાત છે,પાલિકા -મહાનગર પાલિકાની ગુજરાતની છેલ્લા પાંચ વર્ષમાં બનેલી આગજનીની દુર્ઘટનાઑમાં બિન કાર્યક્ષમતા પુરવાર થઈ છે તે સત્ય છે.
વધુ શું કહ્યું હાઈ કોર્ટે ?
ગુજરાત હાઇ કોર્ટમાં સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે કહ્યું કે અગાઉ બનેલી ઘટનાઓ બાદ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશો જણાવાયા હતા. SIT ખાતાકીય તપાસ કરતી નથી, જવાબદાર અધિકારીની સામે તપાસ કરવામાં આવે તેમજ અધિકારીઓની ભૂમિકા તપાસવી જરૂરી છે. રાજકોટ ગેમઝોન, મોરબી પુલ તેમજ વડોદરા હરણી તળાવની દુર્ઘટનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે મહાનગર પાલિકાઓનું તંત્ર યોગ્ય કામ કરતું નથી.