સાબરમતી નદી પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટે AMCની કાઢી ઝાટકણી, જાણો શું કહ્યું
ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદી પ્રદૂષણ મામલે ફરી એક વખત અમદાવાદ કોર્પોરેશનની ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટના આદેશ મુજબ AMCએ STP પ્લાન્ટને લઇને મ્યુનિસિપલ કમિશનરની એફિડેવિટ અંતર્ગત બ્લૂ પ્રિન્ટ કોર્ટ સમક્ષ મૂકી હતી. જેમાં AMCએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિકલને ડ્રેનેજ લાઇનમાં ભળતુ રોકવા નિરીક્ષણ માટે માણસો મુક્યા છે. STP કેમિકલ યુક્ત પાણી ટ્રિટ કરી શકતા નથી. કેમિકલ યુક્ત ઇન્ડસ્ટ્રીયલ કચરો STP, ડ્રેનેજ અને પંપીંગને નુકસાન કરે છે. STPમાં બાયોલોજીકલ પ્રોસેસને કેમિકલ નુકસાન કરે છે. AMC 2040 સુધીની ક્ષમતાને પહોંચી વળવા STPનું આયોજન કરશે.
હાલ શહેરના 7 મ્યુનિસિપલ ઝોનમાં 16 STP પ્લાન્ટ આવેલા છે, AMCના અનુમાન હતું કે થી વિપરીત ધાર્યું હતું કે 2024માં શહેરમાં દરરોજ 1094 MLD જેટલું સુએજ જનરેટ થશે. જો કે, હકીકતમાં 1320 MLD દૈનિક સુએજ જનરેટ થઈ રહ્યું છે. શહેરમાં 73 પમ્પિંગ સ્ટેશન સુએજને STPમાં મોકલે છે. આ 16 STPની કાર્યક્ષમતા 83 ટકા જેટલી છે.
શહેરના કેટલાક STPમાંથી ટ્રિટ કર્યા વગરનું પાણી નદીમાં ઠાલવવામાં આવે છે. જેમાં પીરાણા ખાતેના STPની આ સ્થિતિ છે. AMCએ STP અપગ્રેડ કરવામાં ત્રણ પ્લાન બનાવ્યા છે. જેમાં ટૂંકા ગાળાનો પ્લાન સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ ચૂક્યો છે. જ્યારે મધ્યમ ગાળાના અને લાંબા ગાળાનું કામકાજ જૂન 2024થી શરૂ થશે.
હાઈકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, તમારા માથા ઉપર તલવાર લટકતી રહે તો જ તમે કામ કરો છો. AMCએ જણાવ્યું હતું કે બધા સંસાધનો કોરોના કાળમાં વપરાઈ જતા STPને લગતું કામ થઈ શક્યું નથી. જેથી કોર્ટે જણાવ્યું હતું કે, AMC પાસે ફંડની અછત હોઇ શકે નહિ.
કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો તમારી ઈચ્છા હોત તો આ ક્ષેત્રે પણ કામ થઈ શક્યું હોત. તમે સમસ્યા જ જોશો તો સમસ્યા વધશે, પરંતુ ઉકેલ જોશો તો ઉકેલ મળશે. દરરોજ ખરાબ પાણી શહેરની એકમાત્ર જીવાદોરી સમાન સાબરમતી નદીમાં છોડવામાં આવે છે. તમે અમને તમારી પાછળ પડવા મજબૂર કરો છો, અમે પોલીસ નથી.
હાઈકોર્ટે STPના અપગ્રેડેશનની તારીખ માંગતા AMCએ કહ્યું હતું કે, ચૂંટણી આચાસંહિતાને લઈને AMC તારીખ આપી શકતું નથી. જેથી કોર્ટે કહ્યું હતું કે, આ રૂટિન કામ છે, તેમાં કોઈને વાંધો ના હોય. AMCએ જણાવ્યું હતું કે, વાસણાના વિસ્તારમાં નવા 4 STP બનાવવામાં આવશે. જેમાં એક પશ્ચિમમાં અને ત્રણ પૂર્વમાં હશે. અત્યારે વાસણા ખાતેથી ટ્રિટ કર્યા વગરનું પ્રાણી છોડાઈ રહ્યું છે.
AMCએ જણાવ્યું હતું કે, ટૂંકા ગાળાનો પ્લાન 6થી 12 મહિનાનો STP અપગ્રેડ કરવાનો છે. 2024થી 2028 સુધીના સમયગાળામાં સતત STPની કાર્યક્ષમતા વધારાશે. 2025 સુધીમાં 160 MLD કેપેસિટી વધશે, 2026 સુધીમાં 190 MLDની ક્ષમતા વધશે. 2028 સુધીમાં કુલ 2219 MLD ક્ષમતા પ્રાપ્ત થશે.
કોર્ટના છેલ્લા આદેશ મુજબ 2018 પછી બનેલા નવા 8 STP પ્લાંટનો રીપોર્ટ GPCB પાસે માંગ્યો હતો. જે સંદર્ભે GPCBએ જણાવ્યું હતું કે, 8 પૈકી 4 પ્લાન્ટ ધારા ધોરણો મુજબ કામ કરતા નથી. AMCએ કહ્યું હતું કે, તેની પાછલ ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતું કેમિકલ યુક્ત પાણી મોટી સમસ્યા છે. લોકો ખાડો ખોદીને ડ્રેનેજ લાઈનમાં ગેરકાનૂની રીતે ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ ઠાલવે છે.
હાઈકોર્ટે AMCને હુકમ કર્યો કે, કોર્પોરેશન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોનિટરિંગ હાથ ધરે. આ માટે તે GPCB પાસેથી માહિતી મેળવીને નિરીક્ષણ હાથ ધરે. જેવી રીતે માર્ચ મહિનામાં કરવેરાને લઈને રિકવરી હાથ ધરાય છે, તેવી રીતે કોર્પોરેશન સુવિધાઓ પણ આપે.
કોર્પોરેશનને કોર્ટે કટાક્ષમાં કહ્યું હતું કે, જેમ બધું કામ AMC આઉટસોર્સિંગથી કરે છે તેવી રીતે આઉટસોર્સિંગથી નિરીક્ષકો પણ મૂકે. ડ્રેનેજ લાઈનમાં ઇન્ડસ્ટ્રીયલ કચરો ઠલવાય નહીં તેની તકેદારી કોર્પોરેશન રાખે.