વિદેશ પ્રવાસનો નિર્ણય લેવાનો અધિકાર ફક્ત ટ્રાયલ કોર્ટને, ગુજરાત હાઈકોર્ટે પાસપોર્ટ અધિકારીઓને ફટકાર લગાવી

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે પાસપોર્ટ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, વિદેશ પ્રવાસ અંગે નિર્ણય લેવાનો અધિકાર ફક્ત ટ્રાયલ કોર્ટને જ છે, પાસપોર્ટ ઓથોટીને આ અંગે સત્તા નથી.
હાલમાં જ કેટલાક કેસમાં હાઈ કોર્ટે પાસપોર્ટ અધિકારીઓની આકરી ઝાટકણી કાઢી હતી. અધિકારીઓએ કાયદાને બદલે પોતાની જ નોટિફિકેશનને ટાંકીને પાસપોર્ટની સમયમર્યાદા 10 વર્ષને બદલે ઘટાડી દીધી હતી. ન્યાયાધીશ નિરલ મહેતાએ કહ્યું કે, આ કોર્ટનો સ્પષ્ટ મત છે કે પાસપોર્ટ સત્તાધિકારીઓને આરોપીના વિદેશ પ્રવાસના અધિકાર અંગે નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી. આ અધિકાર માત્ર અને માત્ર ટ્રાયલ કોર્ટ પાસે જ છે.
આ પણ વાંચો: ‘DJs પર નિયંત્રણ રાખો…’ નવરાત્રિ પહેલા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આપ્યા મહત્વના નિર્દેશ…
શું છે મામલો
એક કિસ્સામાં, દીપેન પટેલ અને ધ્રુમી પટેલ નામના યુગલે કેનેડા માટે વર્ક પરમિટ માંગી હતી. તેઓ એક એજન્ટ દ્વારા છેતરપિંડીનો ભોગ બન્યા હતા. જેથી તેમને 22 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. આ કેસની તપાસ દરમિયાન, તેઓ પોતે ભોગ બન્યા હોવા છતાં તેમના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે તેમને નવા પાસપોર્ટ મેળવવા માટે જૂના પાસપોર્ટની જરૂર પડી, ત્યારે રિવિઝનલ કોર્ટે તેમને ટ્રાયલ કોર્ટમાંથી પાસપોર્ટ પરત લેવાની પરવાનગી આપી હતી તેમ છતાં, પાસપોર્ટ ઓથોરિટીએ તેમને આરોપી ગણીને માત્ર એક વર્ષની મુદતવાળો પાસપોર્ટ ઇશ્યૂ કર્યો. આ મામલો હાઈ કોર્ટ પહોંચ્યો હતો. જ્યાં કોર્ટે ઓથોરિટીને 10વર્ષની મુદતનો પાસપોર્ટ ઇશ્યૂ કરવાનો આદેશ આપ્યો હતો.
બીજા કિસ્સામાં સુરતના એક વ્યક્તિને ટ્રાયલ કોર્ટે 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ પાસપોર્ટ ઓથોરિટીએ ઇનકાર કર્યો હતો. જેના પગલે હાઈ કોર્ટે ફરીથી ભારપૂર્વક જણાવ્યું કે પાસપોર્ટ સંપૂર્ણ 10 વર્ષના સમયગાળા માટે જારી કરવો જોઈએ. ત્રીજા એક કેસમાં, એક વ્યક્તિને જામીન શરતો હેઠળ ગુજરાત બહાર પ્રવાસ કરવાની મનાઈ હતી. આ કારણે પાસપોર્ટ ઓથોરિટીએ તેને પાસપોર્ટ આપવાનો ઇનકાર કર્યો હતો. આ સામે સિંગલ જજ દ્વારા પાસપોર્ટ આપવાનો આદેશ અપાયો હતો, જેની સામે ઓથોરિટીએ કરેલી અપીલને હાઈ કોર્ટે ફગાવી દીધી હતી.