ગુજરાત હાઈકોર્ટે ક્વોશિંગ પીટીશન મુદ્દે ઉધડો લીધો, કહ્યું દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત…

અમદાવાદઃ ગુજરાતના લોકસાહિત્યકાર અને જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડે અમદાવાદના ચાંગોદરમાં તેની સામે નોંધાયેલો કલમ 307નો કેસ રદ્દ કરવા ગુજરાત હાઇકોર્ટમાં ક્વોશિંગ પીટીશન ફાઈલ કરી હતી. દેવાયત ખવડની ફરિયાદ રદ કરવા કરાયેલા ક્વોશિંગ પિટીશન પર સુનાવણી થઈ હતી. જેમાં ફરિયાદી ધ્રુવરાજ ચૌહાણ અને આરોપી દેવાયત ખવડ વચ્ચે સમાધાન થયું હોવાથી બંને પક્ષના વકીલે હાઇકોર્ટમાં ફરિયાદ રદ્દ કરવાની માંગ કરી હતી.
હાઈકોર્ટે ખવડનો ઉધડો લેતા એવો વેધક સવાલ કર્યો
આ ક્વોશિંગ પીટીશન વાંચતા જ હાઈકોર્ટે ખવડનો ઉધડો લેતા એવો વેધક સવાલ કર્યો હતો કે, 307ની કલમમાં કઈ રીતે સમાધાન થઈ શકે, હાઇકોર્ટ પ્રથમ દૃષ્ટિએ જ માન્યું હતું કે, દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે. લોક સાહિત્યકાર દેવાયત ખવડ પર કુલ 6 જેટલા નાના મોટા ગુના નોંધવામાં આવ્યા છે.
હાઈકોર્ટે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ સામે નોંધાયેલી ફરિયાદ મામલે બંને પક્ષકારોને હાજર રહેવા હુકમ કર્યો હતો. આ સાથે જ હાઈકોર્ટે તપાસ અધિકારીને તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટમાં આ ક્વોશિંગ પીટીશન અંગેની વધુ સુનાવણી આગામી 19 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.



