રહેણાંકની જગ્યામાં મંજૂરી વગર પીજી ચલાવી શકાય નહીંઃ ગુજરાત હાઈ કોર્ટ | મુંબઈ સમાચાર

રહેણાંકની જગ્યામાં મંજૂરી વગર પીજી ચલાવી શકાય નહીંઃ ગુજરાત હાઈ કોર્ટ

અમદાવાદઃ શહેરના શિવરંજની વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં ચાલતા પીજીની મિલકત સીલ કરવામાં આવતાં મામલો હાઇ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ગુજરાત હાઇ કોર્ટે એક મહત્વના આદેશ મારફતે ઠરાવ્યું હતું કે, રહેણાંકની જગ્યામાં મંજૂરી વગર પેઇંગ ગેસ્ટ(પીજી) સર્વિસ ચલાવી શકાય નહી. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પેઇંગ ગેસ્ટ સર્વિસની સિસ્ટમ અને તેના કારણે આડોશ પાડોશમાં તેમ જ સ્થાનિક લોકોમાં સર્જાતા ઘર્ષણ જેવા પાસાઓ ઘ્યાને લઇ હાઇ કોર્ટે આ હુકમ કર્યો હતો. ન્યાયાધીશ મોના એમ.ભટ્ટે રાજયભરમાં પેઇંગ ગેસ્ટ અને હોમ સ્ટેની પોલિસી બાબતે બહોળો પ્રચાર કરવા પણ રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિલપલ કોર્પોરેશન સહિતના સાાવાળાઓને હુકમ કર્યો હતો કે જેથી પ્રજાને આ મુદ્દા વિશે વધુ ખ્યાલ આવી શકે.

હાઇ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, રહેણાંકની જગ્યાઓ ઉપર આ પ્રકારે પીજીની સર્વિસ ચલાવવાની મંજૂરી આપી શકાય નહી. હાઇ કોર્ટ સમક્ષ આવેલા આ કેસમાં શહેરના શિવરંજની ક્રોસ રોડ નજીક સ્કાયલાર્ક એપાર્ટમેન્ટમાં બે રહેણાંક ફલેટ અરજદારે પીજી તરીકે ભાડે આપ્યા હતા, જેમાં આઠ લોકોને રહેવાની સુવિધા ફાળવાઇ હતી. જો કે, સોસાયટી મેનેજમેન્ટે તેનો વાંધો ઉઠાવ્યો હતો અને મિલકત ખાલી કરાવવા બાબતે નોટિસ પણ જારી કરી હતી. બાદમાં ગેરકાયદે પીજીને લઇ પોલીસમાં ફરિયાદ-અરજી પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાત હાઈ કોર્ટે એક અરજદારને કેમ ફટકાર્યો લાખો રુપિયાનો દંડ, જાણો શું છે મામલો

જો કે, પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી નહી થતાં સોસાયટી તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં અમ્યુકો સત્તાધીશોએ મકાનમાલિક અને ભાડુઆત(પીજીમાં રહેતા લોકોને) બંનેને નોટિસ આપી જવાબ માંગ્યો હતો. મકાનમાલિક તરફથી બચાવ રજૂ કરાયો હતો કે, તેમણે રાજય સરકાર દ્વારા 2020માં રજૂ કરાયેલી નીતિ અન્વયે હોમ સ્ટે તરીકે મિલકત ભાડે આપી છે. એપાર્ટમેન્ટનો પ્રવેશ સોસાયટીના સામાન્ય પ્રવેશ દ્વારથી અલગ છે અને તેનાથી કોઇને તકલીફ નથી, હકીકતમાં તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. જો કે, અમ્યુકોએ તા.11 જૂન 2025ના રોજ અમ્યુકોએ બંને ફલેટ સીલ કરી દીધા હતા. જેને પગલે અરજદાર મકાનમાલિક તરફથી હાઇ કોર્ટમાં રિટ અરજી કરવામાં આવતાં હાઇ કોર્ટે ફલેટના સીલ ખોલવા અને ફલેટના ઉપયોગ કરવાની મજૂરી આપતો હુકમ કર્યો હતો.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button