ફાર્મા કંપનીના સીએમડી સામેના દુષ્કર્મ કેસમાં પીડિતાની તરફેણમાં હાઇકોર્ટનો આદેશ
અમદાવાદ: ગુજરાતની જાણીતી ફાર્મા કંપનીના સીએમડી સામે કથિત દુષ્કર્મના કેસ મામલે હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. પીડિતાની રિટ અરજી પર સુનાવણી કરી રહેલા હાઇકોર્ટના ન્યાયાધીશે પીડિતાની તરફેણમાં ચુકાદો આપતા ડીઆઇજી કક્ષાના અધિકારીને કેસની તપાસ કરવા આદેશ આપ્યો છે.
ફાર્મા કંપનીના સીએમડીની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની યુવતીની સીએમડી સામે જાતીય સતામણીની ફરિયાદની મેજીસ્ટ્રેટે નોંધ તો લીધી હતી, પરંતુ તેને પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું, જેને હાઇકોર્ટે “આશ્ચર્યજનક અને હેરાન કરનારી હકીકત” ગણાવી હતી. હાઇકોર્ટે સીઆરપીસીની કલમ 156 હેઠળ તપાસનો આદેશ આપ્યો છે.
ઉપરાંત મેજીસ્ટ્રેટ દ્વારા પણ તપાસમાં બેદરકારી દાખવવામાં આવી હોવાની હાઇકોર્ટે નોંધ લીધી હતી. પીડિતાએ લગાવેલા આરોપોની ગંભીરતા સમજીને મેજીસ્ટ્રેટ તેમની ફરજ મુજબ યોગ્ય તપાસ કરી શકતા હતા પરંતુ તેમ ન થયું, પોલીસ અધિકારીઓએ પણ ઢીલાશ દાખવી હોવાનું જણાવી હાઇકોર્ટે ડીસીપી આરબી સોલંકી અને પીઆઇ જે બી અગ્રાવતનો પર ઉધડો લીધો હતો. પીડિતાએ એક મહિલા પોલીસ અધિકારીએ ફરિયાદને સમર્થન ન આપ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ સોલા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ પણ તેની ફરિયાદ પર પગલા ન લીધા હોવાનું જણાવ્યું હતું.
પીડિતાના વકીલે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે પોલીસે ફરિયાદ લેવામાં આનાકાની તો કરી જ હતી, ઉપરથી તેને સમાધાન માટેની એફિડેવિટ પર પણ હસ્તાક્ષર કરવા બળજબરી કરવામાં આવી હતી. જે પોલીસ સ્ટેશનમાં તેની સાથે સેટલમેન્ટ માટે બાળજબરીપૂર્વક સાઇન લેવામાં આવ્યા ત્યાં સીસીટીવી પણ નથી. રાજ્ય સરકારે સોગંદનામામાં પોલીસ અધિકારીઓનો બચાવ કરતા જણાવ્યું હતું કે પીડિતાને કંપનીથી કેટલાક અસંતુષ્ટ તત્વોના આધારે કંપનીને બદનામ કરવાના પ્રયાસો કરી રહી છે, આ એક કંપની અને કર્મચારી વચ્ચેનો વિવાદ છે. જો કે હાઇકોર્ટમાં તેમની આ દલીલ ચાલી ન હતી.
લોઅર કોર્ટમાં કાર્યવાહીમાં ઢીલાશ બાબતે તથા પોલીસ અધિકારીઓએ બેદરકારી દાખવતા હાઇકોર્ટે રાજ્ય સરકારને જવાબદારો સામે યોગ્ય પગલા લેવા સૂચન કર્યું છે. તેમજ સમગ્ર કેસમાં યોગ્ય તપાસ કરવાનો આદેશ આપ્યો છે.