‘જાહેર જમીન પર કબજો કરવા માટે પણ મંદિરો બાંધવામા આવે છે…’, ગુજરાત હાઈ કોર્ટે આવું કેમ કહ્યું?
અમદાવાદ: જાહેર રસ્તાઓના નિર્માણ માટે વચ્ચે આવતા ધાર્મિક સ્થળો હટાવવા અંગે કેસની સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટ(Gujarat Highcourt)એ ગુરુવારે મહત્વના અવલોકન કર્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ ચાંદલોડિયામાં એક જાહેર માર્ગ બનાવવા માટે એક મંદિરને તોડી પાડવાનું હતું. જેની સામે સ્થાનિકોએ કરેલી અરજીના જવાબમાં ગુજરાત હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે ઘણા બનાવોમાં ભારતમાં મંદિર નિર્માણ કરીને જાહેર જમીન હડપ કરવામાં આવે છે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે કહ્યું કે આ રીતે લોકોને ઈમોશનલ રીતે બ્લેકમેલ કરવામાં આવે છે, જે યોગ્ય નથી.
કોર્પોરેશનની ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ ચાંદલોડિયામાં જાહેર રસ્તાના બાંધકામનો 93 લોકોએ વિરોધ કર્યો હતો. અગાઉ સિંગલ જજની બેન્ચે સ્કીમ વિરુદ્ધ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી હતી, ત્યાર બાદ અરજદારોએ ડિવિઝન બેંચ સમક્ષ અપીલ કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાતરી આપી હતી કે કોઈ મકાનને તોડી પાડવામાં આવશે નહીં, ત્યાર બાદ રહેવાસીઓએ આયોજિત માર્ગની બાજુમાં આવેલા મંદિરને સુરક્ષિત રાખવાની માંગ કરી, અરજદારોએ કહ્યું હતું કે સમગ્ર સમુદાયે મંદિરના બાંધવા માટે ફાળો આપ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે કહ્યું હતું કે મારે કહેવું પડશે કે આ રીતે તમે ઈમોશનલ બ્લેકમેલ કરો છો. તમે જાહેર મિલકત પર અતિક્રમણ કરો છો અને આ દરેક જગ્યાએ થઈ રહ્યું છે.” તેમણે વધુમાં કહ્યું કે જે જમીન પર મંદિર આવેલું છે તે જમીન અપીલકર્તાઓની માલિકીની નથી. મંદિર હટાવવામાં આવશે લોકોને એવું કહીને, તમે લાગણીઓ સાથે રમત કરો છો.
ત્યાર બાદ ન્યાયાધીશે ઘરોને મંદિરમાં બદલીને ગેરકાયદેસર બાંધકામોને બચાવવાની માનસિકતા વિશે માહિતી આપી. તેમણે કહ્યું હતું કે ઘરની બહાર કેટલાક ચિહ્નો લગાવીને મંદિર બનાવવામાં આવે છે. ભારતમાં જમીન હડપ કરવાની આ બીજી રીત છે. આ કેસની વધુ સુનાવણી 14મી માર્ચે કરવામાં આવી છે.