‘લગ્ન કાયદેસર હોય કે ગેરકાયદે, સહમતીથી સંબંધ બળાત્કાર ન હોઈ શકે’ Gujarat High Court આવું કેમ કહ્યું? | મુંબઈ સમાચાર
આપણું ગુજરાતનવસારી

‘લગ્ન કાયદેસર હોય કે ગેરકાયદે, સહમતીથી સંબંધ બળાત્કાર ન હોઈ શકે’ Gujarat High Court આવું કેમ કહ્યું?

અમદાવાદ: મેરીટલ રેપને ગેરકાયદે બનાવવા અંગેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઇ રહી છે. એવામાં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે એક મુસ્લિમ વ્યક્તિ સામેના બળાત્કારના આરોપોને ફગાવી દીધા છે. આરોપીની બીજી પત્ની અન્ય ધર્મની છે. તેના અગાઉના લગ્ન છુપાવીને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવા બદલ મહિલાએ મુસ્લિમ પુરુષ વિરુદ્ધ FIR નોંધાવી હતી.

આ મહિલા ભારતીય મૂળની ન્યુઝીલેન્ડની નાગરિક છે જેણે મે 2013માં ન્યુઝીલેન્ડમાં ભારતીય સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2013માં લગ્ન બાદ બંને એ જ વર્ષના નવેમ્બર સુધી માત્ર 6 મહિના સાથે રહ્યા હતા. જ્યારે તેનો પતિ ભારત પાછો ફર્યો, ત્યારે મહિલા સમયાંતરે ભારત આવતી રહી. બાદમાં તેને ખબર પડી કે તેના પતિએ અગાઉ લગ્ન કર્યા હતા. મહિલાએ તેની સામે વિશ્વાસઘાત માટે એફઆઈઆર નોંધાવી હતી.

ગુજરાત પોલીસે પતિની ધરપકડ કરી હતી અને એક અઠવાડિયા પછી તેને જામીન મળી ગયા હતા. જો કે, તેઓએ એકબીજાને મળવાનું ચાલુ રાખ્યું. સપ્ટેમ્બર 2014માં નોંધાવેલી એફઆઈઆરમાં મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિએ નવસારીની એક હોટલમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ પછી પતિએ FIR રદ કરવાની માંગ કરી.

પુરુષના વકીલે કહ્યું કે તે વ્યક્તિના બીજા લગ્ન માન્ય છે કારણ કે તે મુસ્લિમ છે, અને આ કેસમાં તે બળાત્કારના આરોપને અમાન્ય બનાવે છે.

જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ એ કહ્યું કે મહિલાએ પાછળથી પોતાની પસંદગીના પુરુષ સાથે લગ્ન કર્યા હતા અને તેને ફોજદારી કાર્યવાહીમાં રસ નહોતો. તેણે ન્યુઝીલેન્ડમાં લગ્ન કર્યા અને તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું અને ત્યારબાદ પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા.

ન્યાયાધીશે જણાવ્યું હતું કે લગ્ન કાયદેસર હોય કે ગેરકાયદે, તે સ્પષ્ટ છે કે શારીરિક સંબંધ સંમતિથી સ્થાપિત થયો હતો. એફઆઈઆરમાંથી જે બહાર આવ્યું છે તે એ છે કે અરજદાર (પતિ)ના પ્રથમ લગ્ન વિશે જાણતા હોવા છતાં, તેણીએ આ સંબંધ ચાલુ રાખ્યો હતો.

Also Read –

સંબંધિત લેખો

Back to top button