પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસમાં ‘કૂલિંગ ઑફ પિરિયડ’ ફરજિયાત નથી: HCનો નિર્ણય…

અમદાવાદ: બદલાતા સમયની સાથે ન્યાયતંત્ર પણ હવે કૌટુંબિક વિવાદોમાં વધુ વ્યવહારુ અભિગમ અપનાવી રહ્યું છે. લગ્નજીવન જ્યારે એવા તબક્કે પહોંચી જાય જ્યાંથી પાછા વળવું અશક્ય હોય, ત્યારે કાયદાકીય ગૂંચવણો દંપતીની મુશ્કેલીમાં વધારો કરતી હોય છે. આવા જ એક કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટે અત્યંત માનવીય અને પ્રગતિશીલ વલણ દાખવતા સ્પષ્ટ કર્યું છે કે, જો દંપતી વચ્ચે સુલેહની કોઈ શક્યતા ન હોય તો તેમને પરાણે રાહ જોવડાવવી એ ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ ચુકાદો આવનારા સમયમાં છૂટાછેડાના કેસોમાં માર્ગદર્શક સાબિત થશે.
સૂત્રોની જાણકારી પ્રમાણે, વર્ષ 2023માં લગ્ન કરનાર એક દંપતીએ લગ્નના ટૂંકા ગાળામાં જ અલગ થવાનો નિર્ણય લીધો હતો. બંને પક્ષોની સહમતી હોવા છતાં ફેમિલી કોર્ટે કાયદા મુજબના ‘વેઈટિંગ પિરિયડ’નો હવાલો આપીને તેમની છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી. ફેમિલી કોર્ટના આ આદેશ સામે દંપતીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યા હતો. હાઈકોર્ટે અવલોકન કર્યું કે જ્યારે બંને પાત્રો માનસિક રીતે અલગ થઈ ચૂક્યા હોય, ત્યારે કાયદાની કલમોમાં તેમને બાંધી રાખવાનો કોઈ અર્થ સરતો નથી.
હિન્દુ મેરેજ એક્ટ હેઠળ સામાન્ય રીતે છૂટાછેડાની અરજી બાદ 6 મહિનાનો ‘કૂલિંગ ઓફ પિરિયડ’ આપવામાં આવે છે, જેથી દંપતી ફરી વિચાર કરી શકે. જોકે, હાઈકોર્ટે આદેશ આપતા જણાવ્યું કે જો કોર્ટને ખાતરી થાય કે પુનઃ મિલનની કોઈ જ ગુંજાશ નથી, તો આ સમયગાળો જતો (Waive) કરી શકાય છે. અદાલતે ફેમિલી કોર્ટના આદેશને રદ કરતા આદેશ આપ્યો કે આ મામલે કાયદાની મર્યાદામાં રહીને નવેસરથી અને ઝડપી નિર્ણય લેવામાં આવે, જેથી પક્ષકારો પોતાનું નવું જીવન વહેલી તકે શરૂ કરી શકે.
હાઈકોર્ટના આ સીમાચિહ્નરૂપ ચુકાદાથી એવા હજારો દંપતીઓને મોટી રાહત મળશે જેઓ લાંબા સમયથી કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. આ આદેશથી સાબિત થાય છે કે કાયદો જડ નથી, પણ સમય અને સંજોગો મુજબ પરિવર્તનશીલ છે. જે કિસ્સાઓમાં સંબંધો સુધરવાની આશા શૂન્ય હોય, ત્યાં વહેલી તકે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થવાથી બંને પક્ષો માનસિક તણાવમાંથી મુક્ત થઈ શકે છે. આ ચુકાદો ન્યાયિક પ્રક્રિયાને ઝડપી બનાવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.



