ઉતરાયણમાં ચાઈનીઝ દોરીના વપરાશ અંગે ગુજરાત હાઈ કોર્ટનો લેટેસ્ટ આદેશ જાણો?
અમદાવાદ: ઉત્તરાયણ તહેવારના હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચાઈનીઝ દોરીના કારણે લોકો ઘાયલ થવાના કિસ્સાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ગુજરાત હાઇ કોર્ટે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં, પરંતુ કાચના પાઉડર ચડાવીને બજારમાં વેચાતી દોરીઓ ઉપર પણ પ્રતિબંધ રહેશે, એમ હાઈ કોર્ટે તાજેતરના ચુકાદામાં જણાવ્યું હતું.
ચાઈનીઝ દોરી મુદ્દે ગુજરાત હાઇ કોર્ટમાં સુનાવણી
ઉત્તરાયણ તહેવાર દરમિયાન ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો તેમ જ અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ તેમ જ મોત થવાના કિસ્સાઓમાં પણ સતત વધારો થતો હોય છે. આ દરમિયાન ગુજરાત હાઇ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી કે પ્રતિબંધ હોવા છતા ગુજરાતમાં ચાઈનીઝ દોરી કઈ રીતે આવે છે અને તેનું ખુલેઆમ વેચાણ થઈ રહ્યું હોવા છતાં પણ પોલીસ કે તંત્ર કોઈ કાર્યવાહી કેમ નથી કરતું?
હાઇ કોર્ટે સરકારને કરી ટકોર
આ અરજીની સુનાવણીમાં હાઇ કોર્ટે સરકારને ટકોર કરી છે. હાઇ કોર્ટે સરકારને જાહેર જગ્યાએ રંગવામાં આવતી દોરીની પણ તપાસ કરવાની સૂચના આપી છે. હાઇ કોર્ટે કહ્યું સરકારે ચાઈનીઝ તુક્કલ, નાયલોન દોરી, ચાઈનીઝ દોરી, સિન્થેટિક દોરી, ગ્લાસ કોટેડ દોરીનું ઉત્પાદન, સ્ટોક કરવા, વેચાણ, ખરીદ અને વપરાશ ઉપર પ્રતિબંધ લગાવેલો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં બાળક બાદ હવે વૃદ્ધ HMVP ના ચપેટમાં, અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો, કુલ ત્રણ કેસ…
કોર્ટે દોરીના ઉત્પાદકોને કર્યો તીખો પ્રશ્ન
તે ઉપરાંતે બેન્ચે કોટન દોરીના ઉત્પાદકોને કાચ ચઢેલી કોટન દોરી જોખમ નહિ હોવાની બાહેંધરી માંગી હતી પરંતુ કોટન દોરી ઉત્પાદકો જવાબ ન આપી શકતા કોર્ટે તેમની અરજી નકારી કાઢી હતી.
સુનાવણીમાં દરમિયાન અમદાવાદના કોટન માંજા ઉત્પાદકોએ જણાવ્યું હતું કે, આ કોર્ટે અગાઉ આપેલા નિર્દેશો અને NGTના આદેશમાં કોટનના માંજા ઉપર પ્રતિબંધ નથી. ફક્ત ચાઈનીઝ માંજા અને નાયલોન દોરી ઉપર પ્રતિબંધ છે, જેથી હાઇ કોર્ટે અગાઉ (8 જાન્યુઆરી, 2025)ના હુકમમાં નાયલોન દોરી અને ગ્લાસ કોટેડ દોરી ઉપર પ્રતિબંધના નિર્દેશો આપ્યા હતા, પરતું તે હુકમમાં સુધારો થવો જોઇએ.