લો બોલોઃ ગુજરાત હાઈ કોર્ટનાં ચીફ જસ્ટિસનાં મોબાઈલ ચોરાયાં
અમદાવાદ: આજના જમાનામાં સ્માર્ટફોનની ચોરી એ સાવ સામાન્ય બાબત બની ગઈ છે. મુસાફરી કરતાં સમયે, ખરીદી કરતાં હોઈએ ત્યારે, સામાજિક પ્રસંગોમાં ગઠિયાઓ ખૂબ જ શાતીર રીતે સ્માર્ટફોનની ચોરી કરી લેતા હોય છે. પરતું તાજેતરમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેની વિગતો જાણીને તમે પણ ચોંકી ઉઠશો. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના જ મોબાઈલની ચોરી થઈ છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના મોબાઈલની ચોરી થઈ છે. ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ દહેરાદુનમાં એક લગ્ન સમારંભમાં હાજરી આપવા ગયાં હતાં, જ્યાં તેમના બે મોબાઈલ ચોરાઈ ગયા. આ ઘટનાના પગલે રાજપુર પોલીસ સ્ટેશને કેસની તપાસ શરૂ કરી છે.
લગ્નપ્રસંગ દરમિયાન થઈ ચોરી મળતી વિગતો અનુસાર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ 26 જાન્યુઆરીએ દેહરાદૂનના માલસીમાં ન્યુ મસૂરી રોડ પર ફૂટહિલ ગાર્ડનમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા. આ લગ્ન પ્રસંગ દરમિયાન સાંજે તેમના બે આઇફોનની ચોરી થઈ હતી. આમાંથી એક ફોન મુખ્ય ન્યાયાધીશના નામે અને બીજો રજિસ્ટ્રાર જનરલની ઓફિસ દ્વારા ખરીદવામાં આવ્યો હતો.
Also read:જાહેરમાં કોરડા મારનારા ચાર પોલીસકર્મીઓ સામે ગુજરાત હાઈ કોર્ટે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી
રજિસ્ટ્રાર દ્વારા નોંધાઈ ફરિયાદ આ અંગે રાજપુર પોલીસ અધિકારી પીડી ભટ્ટે જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના રજિસ્ટ્રાર દ્વારા અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશના મોબાઈલ ચોરાયા હોવાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે લગ્ન સ્થળના આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે સર્વેલન્સ મારફત મોબાઈલ ચોરી કરનારાની તપાસ હાથ ધરી છે.