ગુજરાત નેશનલ લૉ યુનિવિર્સિટી અંગેનો રિપોર્ટ જોઈ હાઈ કોર્ટ પણ ચોંકી ગઈ

અમદાવાદઃ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી(જીએનએલયુ)માં કથિત દુષ્કર્મ અને જાતીય સતામણીના બે અલગ અલગ બનાવોના સંદર્ભમાં દાખલ થયેલી સુઓમોટો પિટિશનની સુનાવણીમાં Gujarat High Court ફેક્ટ ફઇન્ડીંગ કમીટીના રિપોર્ટને જોઇ ચોંકી ઉઠી હતી. અગાઉ જીએનએલયુ દ્વારા સંસ્થામાં આવી કોઇ ઘટના ઘટી નહી હોવાનો બચાવ કર્યો હતો, આ મામલે ચીફ્ જસ્ટિસની ખંડપીઠે GNLU અને રાજ્યના એડ્વોકેટ જનરલને ફ્ટકાર લગાવી હોવાના અહેવાલો છે. કોર્ટે ગંભીર ટકોર કરી હતી કે લૉ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સુરક્ષિત ના હોય અને અવાજ પણ ના ઉઠાવી શકે એ સ્થિતિ બહુ ગંભીર અને ચિંતાજનક છે.
જો લૉ સ્ટુડન્ટ્સનો અવાજ જ દબાવવામાં આવશે તો પછી દેશમાં કોણ બોલશે? લૉ કોલેજમાં આ સ્થિતિ પ્રવર્તે છે તો આપણે કોઇને મોંઢુ નહી બતાવી શકીએ અને બધા લેક્ચર, સેમીનાર, વાર્તાલાપ બધુ વ્યર્થ ગયુ, તેનો કોઇ અર્થ નથી, તેમ પણ કોર્ટે કહ્યું હતું.
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના બનાવોની તપાસ માટે હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ હર્ષા દેવાણીના ચેરમેનપદે રચાયેલી ફેક્ટ ફઇન્ડીંગ કમીટીએ સીલબંધ કવરમાં રજૂ કરેલા રિપોર્ટમાં ઘટસ્ફેટ કરાયો હતો કે, જીએનએલયુમાં દુષ્કર્મ, છેડતી, જાતીય સતામણી, હોમોફેબીયા, પક્ષપાતની ઘટનાઓ બની છે, જેને લઇ ચીફ્ જસ્ટિસે આ અહેવાલને ખૂબ આઘાતજનક અને ડરામણો ગણાવ્યો હતો. હાઇકોર્ટે રિપોર્ટને ટાંકતા જણાવ્યું કે, જીએનએલયુમાં જાતીય શોષણ, દુષ્કર્મ, ભેદભાવ, હોમોફેબીયાની ઘટનાઓ ઉપરાંત, લો સ્ટુડન્ટન્સના અવાજને દબાવવાનો પ્રયાસ, સંસ્થામાં ઇન્ટર્નલ કમ્પલેન કમીટીનો અભાવ અને તેની વિદ્યાર્થીઓને પણ કોઇ માહિતી નહી હોવા સહિતની ગંભીર બાબતો બહાર આવી છે.
ચીફ્ જસ્ટિસે બહુ ગંભીર સવાલ કર્યો હતો કે, રાષ્ટ્રીય કક્ષાની એક લો કોલેજમાં આ પ્રકારની ઘટનાઓ કેવી રીતે બની શકે..? હાઇકોર્ટે જીએનએલયુના રજિસ્ટ્રારના એવા દાવા કે, સંસ્થામાં આવું કંઇ બન્યું નથી અને અમારી જાણમાં આવ્યું નથી તેને યાદ કરીને જીએનએલયુ સત્તાવાળાઓને ઝાટકતાં જણાવ્યું કે, રજિસ્ટ્રારે આવું સોગંદનામુ કરી અદાલતને સુઓમોટો પિટિશનનો નિકાલ કરવા વિનંતી કરી હતી. કોર્ટમાં આ મુદ્દો આવ્યો તેમ છતાં આ રીતે નિકાલ કરવાની અપીલ કરવાની તેમનામાં હિંમત છે તો તેઓ વિદ્યાર્થીઓનું શું રક્ષણ કરશે.
કમિટી જ્યારે વિદ્યાર્થીઓને પૂછવા ગઈ ત્યારે તેઓ જવાબ ન આપી શકતા કમિટીએ પ્રશ્નાવલી તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવી પડી હતી, તે વાતને ટાંકતા કોર્ટે કહ્યું હતું કે જો કાયદો ભણતા વિદ્યાર્થીઓ બોલી ન શકતા હોય, અવાજ ન ઉઠાવી શક્તા હોય તો બીજું કોણ બોલશે તેવો સવાલ પણ કોર્ટે કર્યો હતો.
હાઇકોર્ટે જણાવ્યું કે, ફેકટ ફઇન્ડીંગ કમીટીના રિપોર્ટને બાદ હવે ઉચ્ચ સ્તરીય તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બને છે. ખાસ કરીને જીએનએલયુ અને તેની ફેકલ્ટીમાં તપાસની અનિવાર્યતા જણાય છે. તેમણે રાજ્ય સરકારને પૂછ્યું છે કે આ રિપોર્ટ પર કાર્યવાહી કરી શકે તેવી ઓથોરિટી અમને સૂચવે આથી આગળ વધી શકાય.