
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. રાજ્યમાં હાલ ટ્રફલાઇન પસાર થતી હોવાથી વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી હતી. બે દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જ્યારે માછીમારોને પણ આગામી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી.
ક્યાં કેટલો પડ્યો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 132 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં સૌથી વધુ 4.76 ઈંચ વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુરમાં 3.19 ઈંચ, બોડેલીમાં 2.99 ઈંચ, જાંબુઘોડામાં 2.32 ઈંચ, જેતપુર પાવીમાં 2.24 ઈંચ, ગરબાડામાં 2.20 ઈંચ, સોનગઢમાં 2.09 ઈંચ, ડોલવણમાં 1.89 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં એક તાલુકામાં ચાર ઈંચથી વધારે, એક તાલુકામાં ત્રણ ઈંચથી વધારે, પાંચ તાલુકામાં બે ઈંચથી વધારે, 22 તાલુકામાં એક ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. જ્યારે 103 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદના પગલે એક નેશનલ હાઈવે બે સ્ટેટ હાઈવે સહિત 102 રોડ બંધ
29 જળાશયો હાલ 100 ટકા ભરાયા
ગુજરાતના 29 જળાશયો હાલ 100 ટકા ભરાઈ ગયા છે. જેમાં કચ્છના સૌથી વધુ 5, ભાવનગરના 4, સુરેન્દ્રનગરના 3 જળાશયનો સમાવેશ થાય છે. 63 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 42 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસ્તર છે. હજુ પણ 35 જળાશયો એવા છે જ્યાં જળસ્તર 25 ટકાથી નીચું છે. હાલ ગુજરાતના 51 જળાશયમાં જળસ્તર 90 ટકાથી વધુ હોવાથી હાઇએલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. 22 જળાશયો ઍલર્ટ અને 19 જળાશયો વોર્નિંગ હેઠળ છે.
નર્મદા ડેમની કેટલી પહોંચી સપાટી
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા નિગમ લિ.માં હાલનો સંગ્રહ કુલ ક્ષમતાના 63.60 ટકા ભરાયેલો છે. હાલ નર્મદા ડેમની સપાટી 124.31 મીટર છે અને મહત્તમ સપાટી 138.68 મીટર છે. 2.62 લાખ ક્યૂસેક પાણી આવવાથી ડેમની સપાટીમાં દોઢથી બે મીટરનો વધારો થશે. રાજ્યમાં સિઝનનો 61.32 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી વધુ 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65 ટકા, પૂર્વ મધ્યમાં 62.49 ટકા, સૌરાષ્ટ્રમાં 54.90 ટકા, દક્ષિણ ગુજરાતમાં 63.88 ટકા વરસાદ વરસ્યો છે.