એલર્ટ ! Gujarat માં આજે પણ ભારે વરસાદની આગાહી, સોરાષ્ટ્ર-કચ્છ માટે રેડ એલર્ટ
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. જેમાં અનેક શહેરો અને ગામમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદના પગલે રાજ્યની તમામ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ત્યારે હવામાન વિભાગે બુધવારે પણ ભારે વરસાદની આગાહી કરી છે.
અમરેલી, ગીર-સોમનાથ, જામનગરમાં ભારે વરસાદની આગાહી
જેમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સોરાષ્ટ્ર-કચ્છના તમામ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ છે. અમરેલી, ગીર-સોમનાથ, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ખેડા, વડોદરામાં ઓરેન્જ એલર્ટ છે. આણંદ, સુરત,નર્મદામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
આ ઉપરાંત મધ્યપ્રદેશમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ગુજરાતમાં પ્રવેશ્યા બાદ હવે તે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે.
વડોદરા સહિત 6 જિલ્લામાં કોસ્ટગાર્ડની 6 ટીમો તૈનાત
આ ઉપરાંત ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યમાં સતત બીજા દિવસે શૈક્ષણિક કાર્ય ઠપ રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે શાળા-કોલેજોમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારો કોસ્ટગાર્ડના હવાલે કરવામાં આવ્યા છે. વડોદરા સહિત 6 જિલ્લામાં કોસ્ટગાર્ડની 6 ટીમો તૈનાત છે. અરવલ્લીનો માઝમ અને રાજકોટનો ભાદર-1 ડેમ છલકાયો છે. ભાદર કાંઠાના 22 અને અરવલ્લીના 30 ગામો એલર્ટ પર છે.
લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા
જ્યારે ભારે વરસાદના પગલે પંચમહાલ, નવસારી, વલસાડ, વડોદરા, ભરૂચ, ખેડા, ગાંધીનગર, બોટાદ અને અરવલ્લી જિલ્લામાં નદીઓ અને ડેમોમાં પાણીનું સ્તર વધ્યું છે . જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પૂરના કારણે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.